ઊંઝા બંધનું એલાનઃ મોટી સંખ્યામાં દલિતોએ કર્યો વિરોધ

ઊંઝાઃ પાટણના દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરે કરેલા આત્મવિલોપનના પ્રયાસ બાદ ગઈકાલે મોડી સાંજે તેમનું મોત નિપજ્યું હતું. આજે સવારે સઘન સુરક્ષાની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ મૃતકને ન્યાય અપાવવાની માંગણી સાથે પરિવારે તેમનો મૃતદેહ લેવાની ના પાડી છે.

ઊંઝા બંધનું એલાન

જમીન વિવાદ મામલે આત્મ વિલોપન મામલે ગાંધીનગર FSL દ્વારા ઘટના સ્થળે તપાસ શરૂ કરાઈ છે. જેને પગલે કલેકટર કચેરીની સુરક્ષા વધારાઇ છે. પાટણમાં આત્મવિલોપનના પડઘા ઊંઝામાં જોવા મળ્યા છે. મહેસાણામાં ઊંઝા બંધનું એલાન કરાયુ હતુ. જેને લઈને ઊંઝામાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.  મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રોડ પર વિરોધ પ્રદર્શન કરાયું હતું, તો કેટલાક લોકોએ સિંહી ગામ પાસે બસમાં કરી તોડફોડ પણ કરી હતી. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી વિરોધમાં સહકાર આપ્યો હતો. ઊંઝા સ્થિત ભાનુભાઈ વણકરના ઘરે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા.તો આ સિવાય મહેસાણા-પાલનપુર હાઈવે પર દલિત સમાજના લોકોએ રસ્તા પર આવી ચક્કાજામ કર્યો હતો.

જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લવાશે  મુખ્યપ્રધાન

પાટણ આત્મવિલોપન મામલે મુખ્યપ્રધાન રૂપાણીએ મહત્વનુ નિવેદન આપ્યું હતું. મુખ્યપ્રધાને જણાવ્યું કે, ઘટનાની તપાસ ચીફ સેક્રેટરીને સોંપાઈ છે. ઉપરાંત ભોગ બનનાર પરિવારજનોને સરકાર સાંભળશે તેવી પણ તેમણે ખાતરી આપી છે. સાથે જ સીએમએ જાહેર જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે. જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક પગલા લેવાશે તેવી પણ તેમણે ખાતરી આપી છે.