નૌકાદળનું ડ્રોન પોરબંદરમાં તૂટી પડ્યું; કોઈ જાનહાનિ નથી

પોરબંદર – ભારતીય નૌકાદળનું માનવરહિત હેરોન ડ્રોન ટેકનિકલ ખામીને કારણે આજે પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

આ ઘટના આજે સવારે લગભગ 10 વાગ્યે બની હતી. રીમોટ્લી પાઈલટેડ એરક્રાફ્ટ (RPA) અથવા ડ્રોન રૂટિન નિરીક્ષણ કામગીરી પર હતું. એ પોરબંદરથી ટેક ઓફ્ફ થયું કે તરત જ એ આગમાં લપેટાઈ ગયું હતું અને એર બેઝ નજીકના વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

ઘટનામાં કોઈને ઈજા પણ થઈ નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે RPAના એન્જિનમાં કોઈક ખામી ઊભી થઈ હતી.

પોરબંદરના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ શોભા બુટાડાના જણાવ્યા મુજબ, વિમાન એક આઈસ ફેક્ટરીના ખુલ્લા ભાગમાં તૂટી પડ્યું હતું.

ડ્રોન તૂટી પડતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ડ્રોન તૂટી પડ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.