રાજ્યમાં DRIનો સપાટો, કરોડો રૂપિયાની દાણચોરી ઝડપી પાડી

અમદાવાદ- રાજ્યમાં ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઇન્ટિલિજન્સે સપાટો બોલાવ્યો છે, બે અલગ અલગ દરોડામાં કરોડો રૂપિયાની દાણચોરી ઝડપી પાડી છે, જેમાં પ્રથમ મુન્દ્રા પોર્ટ પર 20 કરોડની દાણચોરી ઝડપાઇ છે, તો બીજી એક ઘટનામાં સૂરતમાંથી 52 લાખનું સોનું ઝડપી પાડ્યું છે. તમામ વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની ટીમે દરોડા પાડ્યા હતાં. આ દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની પ્રોડક્ટ્સ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 20 કરોડની આસપાસ થાય છે, આ પ્રોડક્ટ્સમાં લેપટોપ, વાયરલેસ હેડફોન, ટ્રેક પેન્ટ, ઓઇલ ફિલ્ટરના 4288 નંગ મળી આવ્યાં હતાં. તથા લેડીઝ-જેન્ટ્સની 22,490 ઘડિયાળો, 6932 બ્રાન્ડેડ લિંગરીઝના સેટ, લેડીઝ બેગ 954 સેટ, કોસ્મેટિક 4 લાખ 89 હજાર અને 4 સેટ સહિતના માલસામાનનો સમાવેશ થાય છે. DRIની ટીમે આ વસ્તુઓ સાથે બે શખ્સોની પણ અટકાયત કરી છે. આ શખ્સોમાં એક ગાંધીધામ અને એક મુંબઇના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

વડોદરા નજીકથી 52 લાખના સોના સાથે બેની ધરપકડ

તો DRIના અન્ય એક દરોડામાં ટીમે 52 લાખનું સોનું ઝડપી પાડ્યું હતું. કરજણ ટોલનાકા ખાતે નાકાબંધી દરમિયાન કાર લઇને બે શખ્સો આવ્યાં હતાં, આ કાર દિલ્હી પાર્સિંગની હતી, કારની તપાસ કરતાં તેમાંથી 10 ગ્રામ સોનાના 16 બિસ્કિટ મળી આવ્યાં હતાં, તથા કારમાં બે શખ્સો સવાર હતાં. તપાસમાં બહાર આવ્યું કે સુરતથી દિલ્હી સોનાની ગેરકાયદે હેરાફેરી ચાલતી હતી.