બાળકોએ બનાવ્યાં 30,000થી વધુ ચિત્ર, આણંદમાં યોજાઈ MRF ચિત્ર સ્પર્ધા

આણંદ– બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને યોગ્ય દિશા આપવાના હેતુથી તાજેતરમાં જ આણંદ ખાતે 11મી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રકારોને એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ વિદ્યાનગર સ્થિત ભાઈકાકા હોલ ખાતે યોજાયો હતો. ચિત્ર સ્પર્ધામાં 301થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 30,000થી વધુ ચિત્રો બનાવાયા હતાં.

રામકૃષ્ણ સેવા મંડળ અને મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મયંક રાવલે જણાવ્યું કે, દરેક બાળક ખાસ હોય છે. જો તમારા બાળકો ભણવામાં રસ ન ધરાવતા હોય તો મને સોપી દો. હું તેમને સફળતાની દિશા આપી શકીશ.

મયંક રાવલ ફાઉન્ડેશન વર્ષ ૨૦૦૬થી કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રચનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો અને બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને યોગ્ય દિશા આપવાનો તથા બાળકોને સારવારમાં મદદ કરવાનો છે. અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓએ આવા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ ફાઉન્ડેશન આવા કાર્યક્રમોનું આયોજન પારિવારિક ફંડ માંથી કરે છે.

2018ની આ સ્પર્ધા છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી હતી. જેમાં યંગ આર્ટીસ્ટ અવોર્ડ માટે ૪૭ અને આર્ટ ટીચર અવોર્ડ માટે સાત વ્યક્તિઓએ ભાગ લીધો. ભાગ લેનાર દરેક બાળક ને અવોર્ડ ઉપરાંત લગભગ ૭૦૦ રૂપિયાનું ફૂડ પેકેટ તથા ૫૦૦૦ રૂપિયાની કિંમત ધરાવતી ગીફ્ટકુપન આપવામાં આવી.

આકાર્યક્રમની ખાસિયત એ છે કે તેમાં દરેક બાળકને તક આપવામાં આવે છે. કેટલીક શાળામાંથી સો ટકા વિદ્યાર્થીઓ ભાગ લે છે. જેમાં રૂરલ સ્કુલ માટે પણ અલગ કેટેગરી છે. આ કાર્યક્રમ માં યંગ આર્ટીસ્ટ કેટેગરીમાં અંતિમ રાઉન્ડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્ટાયપેન્ડ પણ આપવામાં આવે છે.એસ આર ઈંગ્લીશ મિડિયમ સ્કુલ, વલ્લભ વિદ્યાનગર ઓવરઓલ વિજેતા જાહેર થઇ. તો આંકલાવ હાઈસ્કુલના ચિરાગ સુથાર શ્રેષ્ઠ કળા શિક્ષક ઘોષિત થયાં હતાં.