મેદાનમાં આવ્યાં પાસ નેતા, અમિત શાહ સામે લડશે ચૂંટણી, મુદ્દા…

ગાંધીનગર- આગામી લોકસભાની ચૂંટણીમાં પાટીદાર સંસ્થા પાસ પણ હવે મેદાને ઉતરશે તેવા સમાચારો સામે આવ્યાં છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાસમાંથી અમિત શાહ સામે લડવા માટે દિલીપ સાબવાની પસંદગી કરવામાં આવી છે. અમિત શાહને ટક્કર આપવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપ સાબવા ચૂંટણી લડશે. ત્યારે આ મામલે દિલીપ સાબવાએ એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં સાબવાએ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

દિલીપ સાબવાએ એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે તેઓ  કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવાના નથી. આ સાથે પાસ દ્વારા કોંગ્રેસને પણ ચીમકી આપવામાં આવી છે, સાબવાએ જણાવ્યું છે કે તેમને ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ પણ સપોર્ટ આપે નહીતો તેનું પરિણામ ભોગવવું પડશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી આ બેઠક પર અગાઉ ધારાસભ્ય સી.જે. ચાવડાનું નામ નિશ્ચિત મનાતું હતું જોકે, ભાજપ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરાતા મોટા માથાની તલાશ શરૂ કરી છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ આ બેઠક પર કોઈ પાટીદાર નેતાને ઉતારી શકે છે, આ સ્થિતિમાં પાસ દ્વારા આ બેઠક પર ઝંપલાવવાથી કોંગ્રેસ ભાજપ પર તેની શું અસર થશે તે તો પરિણામ બાદ જ જાણી શકાશે.