નીતિન પટેલને આખરે એમની પસંદગીનું નાણાંખાતું સોંપવામાં આવ્યું

ગાંધીનગર – ગુજરાતમાં નવા રચાયેલા પ્રધાનમંડળમાં ખાતાંની ફાળવણીના મામલે અગાઉ નારાજ થયેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને એમનું મનપસંદ નાણાં મંત્રાલય આજે આપવામાં આવ્યું છે. આ મંત્રાલય પહેલાં સૌરભ પટેલને આપવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની અગાઉની સરકારમાં નીતિન પટેલ નાણાં અને શહેરી વિકાસ જેવા મંત્રાલયો સંભાળતા હતા, પરંતુ ચૂંટણીમાં ફરી જીત મળ્યા બાદ રૂપાણીએ રચેલા નવા પ્રધાનમંડળમાં પટેલને રોડ અને બાંધકામ, આરોગ્ય જેવા ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.

પરંતુ ભાજપપ્રમુખ અમિત શાહની દરમિયાનગીરીને પગલે નીતિન પટેલને નાણાં ખાતું આપવામાં આવ્યું છે. પટેલે આજે ગાંધીનગરમાં એમનો હોદ્દો સંભાળી લીધો હતો અને બાદમાં બપોરે એ પોતાના મતવિસ્તાર મહેસાણા જવા રવાના થયા હતા. એ ત્યાં પહોંચ્યા એના થોડા જ સમયમાં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં જાહેરાત કરી હતી કે નાણાંખાતું નીતિન પટેલને આપવામાં આવ્યું છે અને હવે આ મામલાનો અંત આવે છે.

રૂપાણીએ કહ્યું કે, અમે ખાતાંની ફાળવણીમાં ચોક્કસ ફેરફારો કર્યા છે. અમે નાણાં ખાતું નીતિનભાઈને આપ્યું છે. આ સાથે જ આ મામલો સમાપ્ત થાય છે. ભાજપ જેવા મોટા પરિવારમાં આવી નાની બાબતો બને. મેં રાજ્યપાલને પત્ર મોકલી આપ્યો છે જેમાં ખાતાની ફાળવણીમાં આ ફેરફારની એમને જાણ કરી દીધી છે.

નીતિ પટેલે આજે સવારે રવિવારે 10.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મને સવારે ફોન કરીને આશ્વાસન આપ્યું છે કે મને શોભે તેવા ખાતાની ફાળવણી કરાશે. હું આજે કાર્યાલયમાં જઈને ચાર્જ સંભાળી લઈશ. તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મને ખાતાની ફાળવણી કરતો પત્ર રાજ્યપાલને સોંપશે. નિતીન પટેલે સૌનો આભાર માન્યો હતો. અને ભાજપ મોવડી મંડળે મને યોગ્ય ગૌરવ અને સન્માન આપ્યું છે, તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છે. નિતીન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારમાં હું બીજા નંબરના મંત્રી તરીકે છુ. ડેપ્યુટી સીએમના હોદ્દાને શોભે તેવા ખાતા મળવા જોઈએ. મે મારી લાગણી સીએમ વિજય રુપાણીને જણાવી હતી. તેમજ ભાજપના મોવડી મંડળને જણાવી હતી. મારું સન્માન જળવાય તે જરૂરી હતું, જેની આ લડાઈ હતી. મે મારા પક્ષ ભાજપ માટે વિપરીત સંજોગોમાં કામ કર્યું છે. પક્ષે મને મોટો બનાવ્યો છે, જેથી પક્ષ છોડીને જવાની વાત ન હતી. હું 40 વર્ષથી ભાજપમાં છું, બીજા પક્ષ માટે હું કદીય વિચારી શકુ નહી. પણ કેટલાક રાજકીય પક્ષો રાજકીય લાભ લેવા માટે અફવાઓ ફેલાવી હતી. મારા સન્માનની લડાઈમાં લોકોએ સમર્થન આપ્યું તે બદલ હું આભાર માનું છું, અને સાથે મિડિયાનો પણ આભાર વ્યક્ત કરું છે, મારી સાચી લાગણી ગુજરાતની પ્રજા સુધી પહોંચાડી છે.

નિતીન પટેલે જણાવ્યું હતું કે ભાજપ કમાન્ડની સાથે મારા સાથી મિત્રો ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા, કૌશિક પટેલ, બાબુભાઈ જમનાદાસ પટેલ જેમણે મને માર્ગદર્શન આપ્યું હતું. પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મારા પર વિશ્વાસ મુક્યો છે. પક્ષે જ મને મોટો કર્યો છે. પક્ષના કારણે જ મારી ઓળખ છે.

બપોરે 2 વાગ્યા પહેલા મુખ્યપ્રધાન મને ખાતાની ફાળવણીની કરતો પત્ર રાજ્યપાલને સોંપશે. નિતીનભાઈ પટેલ પ્રેસ કોન્ફરન્સ પુરી કરીને ગાંધીનગર જવા નિકળી ગયા હતા, અને આજે તેઓ પદભાર સંભાળી લેશે.