ગુજરાતમાં ગરમીમાં ઘટાડો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના

અમદાવાદ– ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે. ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલ સાઈક્લોનિક સર્કયુલેશનને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટમાં આજે સવારે હવામાનમાં પલટો આવ્યો હતો, અને વાદળછાયું વાતાવરણ જોવાયું હતું. ગુજરાતના હવામાનમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જેને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં ગૃમહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા રાહત અનુભવાઈ હતી. બીજી તરફ સાઈક્લોનિકલ સર્કયુલેશનને કારણે હવામાં ભેજવાળું વાતાવરણ થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશે. ત્યાર બાદ મહત્તમ તાપમાનનો પારો 42-43 ડિગ્રીએ પહોંચશે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી હતું, સુરેન્દ્રરમાં 40.3 ડિગ્રી હતું. બાકીના તમામ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નીચે નોંધાયું હતું.
સ્કાયમેટની આગાહી પ્રમાણે કેરળમાં 4 જૂનથી ચોમાસુ બેસી જશે, જ્યારે ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળમાં 6 જૂને વરસાદ આવશે. અને ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોંડુ ઓછું રહેવાની આગાહી થઈ છે. પણ જો ગરમી વધુ પડે તો ચોમાસામાં સારો વરસાદ આવશે.