25 જાન્યુઆરીના બંધના એલાનથી દૂર રહેવાનો સર્વાનુમતે લેવાયો નિર્ણય

ગાંધીનગર– ક્ષત્રિય સમાજના આગેવાન-પ્રતિનિધિઓએ પદ્માવત ફિલ્મના પ્રસારણ સામે વિરોધ વ્યકત કરવા આવતીકાલે ગુરુવારે 25 જાન્યુઆરીએ અપાયેલા બંધના એલાનને સમર્થન ન આપવા સર્વાનુમતે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલ્મ પદ્માવતના પ્રસારણ સંબંધે રાજ્યમાં શાંતિ, સૂલેહનું વાતાવરણ જળવાઇ રહે તે માટે સમસ્ત રાજપૂત, ક્ષત્રિય સમાજની લાગણી અને ક્ષત્રિય પરંપરાની અસ્મિતાને ધ્યાનમાં લઇને રાજ્યના શિક્ષણ, કાયદો અને ન્યાયપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં તથા ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પંચાયત રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આજે રાજ્યના ક્ષત્રિય-રાજપૂત સમાજના આગેવાન-મહાનુભાવોની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાન-પ્રતિનિધિઓએ પદ્માવત ફિલ્મના પ્રસારણ સામે વિરોધ વ્યકત કરવા આવતીકાલે અપાયેલા બંધના એલાનને સમર્થન ન આપવા સર્વાનુમતે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના થિયેટરોના માલિકોએ પદ્માવત ફિલ્મના પોતાના થિયેટરમાં પ્રસારણ ન કરવાનો જયારે નિર્ણય લીધો છે, ત્યારે બંધ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી.

આજે યોજાયેલી બેઠકમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મના પ્રસારણ સંદર્ભે આંદોલન દરમિયાન ગઇકાલે અમદાવાદ ખાતે બનેલા હિંસા અને આગના બનાવોની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. તેમણે જણાવ્યું હતું કે, અસ્મિતાની જાળવણીના આંદોલનમાં તોડફોડ, હિંસા અને આગના બનાવોને કોઇ સ્થાન નથી. ગઇકાલે જે કાંઇ બન્યું તે ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકાર પહેલેથી જ આ પ્રશ્ને રાજપૂત, ક્ષત્રિય સમાજની સાથે રહી છે. ત્યારે ગુજરાતની શાંતિ, સલામતિ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઇ રહે તે જોવાની આપણા સૌની જવાબદારી છે. રાજ્યમાં જળવાઇ રહેલી શાંતિ આગામી દિવસોમાં પણ જળવાય તે માટે સૌને મારી અપીલ છે.

આ બેઠકમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આંદોલનના નામે સર્જાયેલી અશાંતિ, હિંસા અને જાહેર મિલકતોને આગ લગાડી નુકસાન કરવાના બનાવોને સખત શબ્દોમાં વખોડી કાઢી, તેની તીવ્ર આલોચના કરી એવી સ્પ્ષ્ટતા પણ કરી હતી કે આવા હિંસક બનાવોને ક્ષત્રિય રાજપૂત સમાજનું સમર્થન નથી અને અમે તેનો તીવ્ર વિરોધ કરીએ છીએ. આ બેઠકમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાજ શેખાવત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ર્ડા. જયેન્દ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના સંજયસિંહ રાઠોડ, રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા તથા ગુજરાત ક્ષત્રિય સભાના કરણસિંહ ચાવડા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.