‘વાયુ’ની તીવ્રતા ઘટીઃ 17 જૂને કચ્છ પર હીટ થશે, ચાર દિવસ વરસાદની આગાહી

અમદાવાદ- અરબી સમુદ્ર પર સર્જાયેલ વાયુ વાવાઝોડું નબળું પડ્યું છે, અને તે 17 જૂને વહેલી સવારે કચ્છના દરિયાકાંઠે હીટ થશે, પણ તીવ્રતા ઘટી ગઈ હોવાથી કચ્છ, ભૂજ, દેવભૂમિ દ્વારકા, જામનગર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવશે. 16 જૂનથી 18 જૂન એમ ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ આવવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયુ વાવાઝોડું કચ્છ તરફ ટર્ન લઈને આવી રહ્યું છે, જે 16 જૂનને મોડીરાતે અથવા 17 જૂને જ્યારે કચ્છને હીટ કરશે, ત્યારે તેની તીવ્રતા ઘટી ગઈ હોવાથી કોઈ મોટુ નુકશાન નહીં કરે, પણ 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ લાવશે. રાજ્ય સરકારે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સાબદું કરી દીધું છે.

આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે. છેલ્લા પાંચ દિવસથી વાયુ વાવાઝોડાએ ગુજરાતવાસીઓના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. આવે આવે છે… પણ દિશા બદલાઈ, અને વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયું, જો કે ઓમાન તરફ ન જતાં સમુદ્રમાં જ ફરીથી દિશા બદલી છે, અને હવે તે કચ્છ તરફ ટર્ન લીધો છે. પણ સમુદ્રમાં વાયુ વાવાઝોડાની તીવ્રતા ઘટી ગઈ છે, જેથી હવે કચ્છ પર જ્યારે હીટ asથશે, ત્યારે પવન સાથે વરસાદ જ આવશે, તેમ છતાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ તો ગુજરાતને માથેથી મોટી ઘાત ટળી ગઈ છે.