ફટાકડાબજારમાં સૂરસૂરીયું, છેલ્લી ઘડીઓમાં ફેરિયાઓને આવી રીતે છૂટ મળી

અમદાવાદઃ દીપોત્સવીનો ઉત્સવ આવે તે પહેલાં મહોલ્લા-શેરીમાં ટીકડી-તારા મંડળ, લાલ-પીળા બપોરીયા, ટેટા-લવીંગીયાની સેરો, લક્ષ્મી છાપ ટેટા, ભીંત ભડાકા લઇ ટાબરિયાં તોફાને ચઢી મજા લેતા. છેલ્લા કેટલાક વર્ષોથી ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ , શિસ્ત-સમજણ-સાવચેતીના કારણે દીવાળીના આગળના દિવસોમાં ફટાકડા ફૂટવાનું નહિવત થઇ ગયું છે.

દીપાેત્સવીના ઉત્સવમાં પણ દીવાળીની રાત્રે જ વધારે ફટાકડા ફૂટે છે., બીજી તરફ મંદી અને મોંઘવારી પણ ધડાકા અને ધૂમાડો કરતાં અટકાવે છે. હાલ, શહેરની બહાર સિઝનેબલ ચીજવસ્તુઓ વેચી પેટિયું રળતા લોકોને છેલ્લી ઘડીએ માર્ગો પર ફટાકડા વેચવાની પરવાનગી આપવામાં આવી છે.

માર્ગો પર ફટાકડા વેચતા લોકો અગ્નિશમન ઉપકરણ મુકવાની શરત સાથે ફટાકડા વેચી રહ્યા છે. ધનતેરસનો દિવસ શરુ થયા બાદ માર્ગો પર ઉભા રહી ફટાકડાની લારીઓ, મંડપ, ખૂમચા લગાડી બેઠેલા લોકોના મતે હાલ તો ફટાકડા બજારમાં સુરસૂરીયું જ છે.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)