બ્લાસ્ટિંગનો ભય છતાં હડાદ-અંબાજી માર્ગ બંધ નથી કરાયો, તંત્રની બેપરવાઈ જીવ લેશે?

અંબાજી- બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગત 1 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2019 સુધી હડાદ અંબાજી વચ્ચેનો માર્ગ બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ હજુ સુધી આ માર્ગ માર્ગ બંધ કરાયો નથી અને ઉત્તરાયણ એટલે કે  ૧૪ જાન્યુઆરી સુધી આ માર્ગ બંધ થાય તેવી કોઈ શક્યતા પણ દેખાતી નથી.

હકીકતમાં ખેરોજ અંબાજી માર્ગને અંદાજે રૂપિયા 107 કરોડના ખર્ચે ફોરલેન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હડાદ વચ્ચેનો માર્ગ ડુંગરાળ અને પથરાળ હોવાથી પહોળો કરવા બ્લાસ્ટિંગ કરવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. બ્લાસ્ટિંગ કરતી વખતે કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટે કોન્ટ્રાકટ્રર દ્વારા હડાદ અંબાજી માર્ગને હંગામી ધોરણે બંધ કરવાની માંગ કરાઇ હતી જેથી કરીને આ માર્ગ ઝડપથી અને સુચારુ રૂપથી બની શકે.

જિલ્લા કલેક્ટર દ્વારા હડાદ અંબાજી વચ્ચેનો માર્ગે હંગામી ધોરણે બંધ કરવા મહિનાની શરુઆતમાં જ જાહેરનામું બહાર પડાયું હોવા છતાં પણ તેમનું પાલન કરવામાં આવ્યું નથી. ત્યારે માર્ગ બનાવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાની થશે તો તેના માટે જવાબદાર કોણ? અને અન્ય પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે, કયાં કારણોસર જાહેરનામાંનો ભંગ કરવામાં આવી રહ્યો છે.

કોન્ટ્રાક્ટર જશુભાઈના જણાવ્યા અનુસાર આ માર્ગ જાહેરનામું પ્રસિદ્ધ થવાં છતાં કોઈપણ જાતના વાહન વ્યવહાર ને રોકવામાં કે ડાયવર્ઝન આપવામાં આવ્યો નથી. બીજી તરફ બે મહિનામાં પણ કામગીરી પૂરી થઈ શકે તેમ ન હોવાથી આ ડાયવર્ઝનમાં અન્ય બે મહિનાનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે. દરખાસ્તને મંજૂરી મળતા ઉત્તરાયણ બાદ આ માર્ગ બંધ કરી શકાય તેમ છે.

જોકે હડાદ અંબાજી વચ્ચેનો 18 કિલોમીટરનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે અને તે તમામને હડાદથી સનાલી અને દાંતા થઈ અંબાજી ડાયવર્ઝન આપવામાં આવશે જેના પગલે એસટી વાહન વ્યવહારને પણ મોટી અસર થશે.

મુસાફરો પર એસટી બસ ભાડાનો વધારાનો બોજો પડશે

ડેપો મેનેજર યોગેશભાઈએ જણાવ્યું હતું કે, 18 કિલોમીટરના માર્ગના બદલે 50 કિલોમીટરની લાંબી મુસાફરી થતાં એસટી વિભાગે પણ પોતાનો તખ્તો તૈયાર કરી નાખ્યો છે અને આ વહન કરવામાં આવશે ત્યારે લોકલ એસટી બસમાં એક્સપ્રેસ બસમાં રૂપિયા 24 અને ગુર્જર નગરી બસમાં 29નો વધારો કરવાની ફરજ પડશે.