ગુજરાત ચૂંટણીથી રાહુલ ગાંધીના અચ્છે દિન, 19મીએ સંભાળશે પક્ષનું સુકાન

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે અચ્છે દિન લાવી છે. એકતરફ ગુજરાતમાં તેમનો વારોફેરો ચાલતો રહ્યો છે અને આગામી 24મીએ અમદાવાદમાં રોડ શો આયોજન ચાલી રહ્યું છે ત્યાં દિલ્હીમાં પણ તેમના માટે પક્ષની મુખ્ય ધુરા સંભાળી લે તે માટે લાલ જાજમ બિછાવાઇ ગઇ છે.

રાહુલ ગાંધી સામે કોઇ ઉમેદવાર ખડો નહીં થાય તો સ્ક્રૂટિનીના આખરી દિવસે, 19 ડીસેમ્બરે તેમની પક્ષ અધ્યક્ષ તરીકેની તાજપોશી નક્કી થઇ ગઇ છે.

કોંગ્રેસ જારી કરેલા કાર્યક્રમ મુજબ ચૂંટણી તારીખ 16 ડીસેમ્બર છે અને 19મીએ નવા અધ્યક્ષના નામની જાહેરાત કરાશે.  આજે પક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી કોર કમિટી બેઠકમાં પક્ષના તમામ મહત્ત્વના નેતાઓની ઉપસ્થિતિમાં પક્ષ અધ્યક્ષની ચૂંટણીના કાર્યક્રમને મંજૂર કરવામાં આવ્યો હતો.

જે મુજબ 1 ડીસેમ્બરે જાહેરનામું બહાર પડશે, 4 ડીસેમ્બરે નામ દાખલ કરવાની અંતિમ તારીખ હશે. ઉમેદવારીપત્ર ચકાસણી પાંચમીએ અને 11મી સુધીમાં નામ પાછું ખેંચી શકાશે. તારીખો જાહેર કરતાં સમયે પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જો જરુર પડશે તો જ 16 ડીસેમ્બરે ચૂંટણી કરવામાં આવશે.

રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર હતાં અને તેમણે સૌને ગુજરાત ઇલેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં વિકાસના મુખ્ય મુદ્દે ધ્યાન ભટકાવવાની કોશિશ ન કરે તે જોવાનું રહેશે.

કોંગ્રેસની પાસે 31 ડીસેમ્બર સુધીમાં સંગઠન ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી ચૂંટણીપંચ સમક્ષ પક્ષ અધ્યક્ષ ચૂંટણી સંદર્ભે રીપોર્ટ રજૂ કરવાનો સમય છે. આ પહેલાં ઓક ઓક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાનું નક્કી કરાયું હતું પણ રાહુલની ગુજરાત યાત્રાઓને લઇને વિલંબથી આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.