કોંગ્રેસે કર્ણાટક અને પંજાબ જેવા કોંગી શાસિત રાજયોમાં આંદોલન કરવું જોઇએઃ કૃષિપ્રધાન

ગાંધીનગર– કૃષિપ્રધાન આર.સી.ફળદુએ વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજયમાં ખેડૂતોના નામે ચલાવાઇ રહેલા આંદોલન અને માર્ગો પર દૂધ ઢોળી દેવા, શાકભાજી ફેંકવા જેવી ઘટનાઓની આકરી આલોચના કરી છે. ગુજરાતમાં મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીની સરકારે ખેડૂતોના હિતોને હંમેશા અગ્રતા આપી છે.ગુજરાતમાં પશુપાલકોને ગાય અને ભેંસના દૂધની સરકાર દ્વારા ખરીદીમાં રૂા.૧૦ ની સબસીડી અપાય છે. પરંતુ જે વિપક્ષ આંદોલન કરે છે તેમના જ પક્ષની સરકારો દ્વારા કર્ણાટક અને પંજાબમાં તો બે રૂપિયા જેવી નજીવી સબસીડી અપાય એ કોંગ્રેસ કેમ ભૂલી જાય છે ? આર.સી.ફળદુએ એવી પણ ટીપ્‍પણી કરી કે ખરેખર કોંગ્રેસે આવા આંદોલન કર્ણાટક-પંજાબમાં કરવા જોઇએ પણ કોંગ્રેસ ઘર ભૂલી છે. કેન્‍દ્રની નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતની વિજય રૂપાણી સરકારે ખેડૂતોને ટેકાના ભાવ મગફળી, તુવેર, ચણા, રાયડામાં આપીને ખેડૂતોને શોષણમાંથી બચાવ્‍યા છે.

શાકભાજીના ભાવો પણ રોજેરોજ એ.પી.એમ.સી. મારફતે નિયમીત પણે નિયંત્રિત થતાં હોવાથી રાજયના પ્રજાજનોને વ્‍યાજબી ભાવે શાકભાજી મળી રહે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સંદર્ભમાં કૃષિપ્રધાને રાજયમાં રીંગણા, કોબીજ, ટામેટાં, દૂધી, કાકડી, ભીંડા જેવા શાકભાજીના ૨૦ કિલોના ભાવ ૧૦૦ થી ૭૦૦ સુધીના રહયા છે. તેની વિગતો આપી હતી.

આર.સી.ફળદુએ કહયું કે આ આંદોલાનાત્‍મક કાર્યક્રમો આપીને કોંગ્રેસ પોતાના કાર્યકરો દ્વારા મીડિયામાં રહેવાના હવાતીયા મારે છે. હકિકતે રાજયના ખેડૂતવર્ગનો કોઇ ટેકો કે સમર્થન આ આંદોલન છે જ નહી. ગુજરાતનો ખેડૂત તેનું હિત સાચવનારી સરકાર ભાજપાની જ છે, તે સારી પેઠે સમજે છે. એટલે કોંગ્રેસના આવા વિરોધના ગતકડામાં ભરમાશે નહિ. યુપીએ શાસનમાં ખેડૂતોને આત્‍મહત્‍યા કરવી પડતી, ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા હતા એ વાતની વિપક્ષને યાદ અપાવતા કહયું કે એ વખતે ખેડૂત પ્રત્‍યેની તમારી સંવેદના કયાં ખોવાઇ ગઇ હતી ?

ગુજરાતમાં ખેડૂતોને શૂન્‍ય ટકા વ્‍યાજે લોન, પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના અન્‍વયે પાક વીમો જેવા કિસાન હિતકારી પગલાંઓથી ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે એમ જણાવતાં કહયું કે કોંગ્રેસ ખેડૂતોના નામે જે જુઠ્ઠાણા ચલાવે છે તે ગુજરાતની પ્રજા અને ખેડૂતવર્ગો સુપેરે જાણી ગયા છે અને આંદોલનને કોઇ પ્રતિસાદ મળતો નથી.