ગુજરાતમાં પ્રદૂષણ મુદ્દે કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહારો

અમદાવાદ-ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર રાજ્યમાં પ્રવર્તી રહેલાં પ્રદૂષણના મુદ્દે તાતાં તીર છોડવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં નદીઓમાં પ્રદૂષણ મામલે સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે જે રીતે નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને આંધળા વિકાસની આડમાં જે લોકોને પીવાલાયક પાણી મળતું નથી, એવા લોકો માટે પાણીના સ્ત્રોત સમાન નદીઓમાં ભારે પ્રમાણમાં પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે અને ઝેરી કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલમાં પણ સ્પષ્ટપણે દર્શાવ્યું છે સાબરમતી નદી, મહી નદી, નર્મદા, દમણ ગંગા નદી, નરસિંહ મહેતા તળાવ, દુધિયા તળાવ સહિત અનેક જગ્યાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખુદ સ્વીકારે છે કે ભારે અને મધ્યમ પ્રદૂષિત થઈ ગયા છે.
પ્રદૂષણને લઈને લોકસભામાં પુછાયેલ પ્રશ્નમાં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલ જવાબમાં પણ ખુદ સ્વીકારવામાં આવ્યું છે કે ગુજરાતની 20 નદીઓમાં પીવાલાયક પાણી નથી અને પાણી પ્રદૂષિત થઈ ચૂક્યું છે અને દેશમાં પ્રદૂષિત નદીઓમાં ગુજરાત ચોથા ક્રમાંકે આવે છે, જે સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જેમની પ્રદૂષણ ન વધે તે જાળવવાની જવાબદારી છે તે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પોતાની જવાબદારી નિભાવી શકી નથી અને નિષ્ફળ રહી છે અને ઊલટાનું પ્રદૂષણ નિયંત્રણ કરવાના બદલે દિનપ્રતિદિન વધી રહ્યું છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. સાબરમતી અને નદીઓના શુદ્ધિકરણ માટે ચાર વર્ષમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, છતાં કોઇ ફેરફાર નથી થયો તો સવાલ તો એ છે કે નાણાં ક્યાં ગયા અને નદીઓમાં ઝેરી કચરો ઠલવાઈ રહ્યો છે, આ કચરો ઠાલવવાની મંજૂરી કોણે આપી શા માટે કોઈ પગલાં નથી લેવાઈ રહ્યાં અને સરકાર જલ્દી જે આ પ્રદૂષણ નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહી છે તેના પર ધ્યાન આપે એવી પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ માગણી કરી હતી.