ગાંધીનગર: મેયરની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરનું અપહરણ, રાજકીય ચકચાર

ગાંધીનગર- મહાનગર પાલિકાની આજે મળનારી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસના કોર્પોરેટરનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાતા રાજકીય ચકચાર મચી ગયો છે. કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ધારાસભ્ય સી.જે.ચાવડા કોર્પોરેટરના પરિવાર સાથે  સેક્ટર-21 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં અંકિત બારોટના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો પાસેનું જણાવવું છે કે ભાજપ દ્વારા અંકિત બારોટને ડેપ્યુટી મેયરની ઓફર કરવા માટે તેમને અજ્ઞાતસ્થળે લઇ જવાયાં છે.

કોંગ્રેસે અપહરણ મામલે ભાજપ પર સીધો આક્ષેપ કર્યો. પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. ભાજપે અંકિત બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ ઓફર કર્યું હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. અંકિત બારોટ પોતાની મરજીથી ભાજપ છાવણીમાં ગયા હોવાનું  પણ સૂત્રો કહી રહ્યાં છે. જોકે પરિવારજનો અને કોંગ્રેસ ઇન્કાર કરી રહ્યું છે.

ગાંધીનગર મહાપાલિકામાં વર્ષ 2016માં કોંગ્રેસ અને ભાજપે 16-16 એમ સમાન બેઠકો મળી હતી. એ સમયે ભાજપે કોંગ્રેસના પ્રવીણ પટેલ પાસે ક્રોસ કરાવીને સત્તા હાંસલ કરી હતી. પ્રવીણ પટેલને પક્ષ પલટા બદલ ભાજપે મેયર પદ આપ્યું હતું. હાલ ક્રોસ વોટિંગ મામલે મેટર કોર્ટમાં પેન્ડિંગ છે. જેનો આગામી 22મી નવેમ્બરે મહત્વનો ચુકાદો આવશે.