જસદણ પેટાચૂંટણી જંગ જામ્યો: ગુરુ-ચેલા સામસામે, અવસર નાકિયાને કોંગ્રેસે ઊતાર્યાં મેદાને

જસદણ: જસદણ પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે કોંગ્રેસે તેમના ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે ભાજપના કુંવરજી બાવળિયા સામે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસે અવસર નાકિયાને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે, અવસર નાકિયા કુંવરજી બાવળિયાના ચેલા છે.

આગામી 20 ડિસેમ્બરે યોજાનારી જસદણ પેટા ચૂંટણી માટે આજે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં નાકિયાએ ફોર્મ ભર્યું હતું.

અવસર નાકીયા રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ અને બે ટર્મથી પીપરડી જિલ્લા પંચાયતનાં સભ્ય તરીકે ચૂંટાયા છે. વર્તમાન જિલ્લા પંચાયતનાં સભ્ય છે. અવસર નાકીયા કુંવરજી બાવળીયાના ખૂબ જ નજીકનાં મનાય છે અને રાજકારણમાં તેમને કુંવરજી બાવળીયા લાવ્યા હતા. વિંછીયા અને જસદણ પંથકનાં કોળી સમાજમાં અવસર નાકીયા સારી પકડ ધરાવે છે. તેમજ કોળી સમાજનાં મન દુ:ખનાં તમામ પ્રસંગે હાજરી આપે છે.  રાજકારણમાં આવ્યા પહેલા નાકિયા રિક્ષા ચલાવતા હતાં.ભાજપ બાદ કોંગ્રેસે પણ કોળી સમાજના ઉમેદવારને જ મેદાને ઉતાર્યા છે. ત્યારે અવસર નાકિયાનું નામ દિલ્હી જ જાહેર કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

ફોર્મ ભર્યા બાદ અવસર નાકિયાએ જણાવ્યું હતું કે, કુંવરજી કોંગ્રેસના કારણે જ જીતતા હતાં, પોતાના નામથી કુંવરજી ક્યારે ન જીતી શકે. વધુમાં કહ્યું કે, શા માટે ભાજપે તમામ ધારાસભ્યો અહીં ઉતાર્યા છે. ટિકિટના દાવેદારો મારી સાથે જ છે, બાવળિયાએ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે.