ગુજરાતના યોગદાનને કોંગ્રેસ સાંખી શકતી નથીઃ ઊર્જાપ્રધાને આમ કેમ કહ્યું…

ગાંધીનગર- ઊર્જાપ્રધાન સૌરભ પટેલે કોંગ્રેસના જયરામ રમેશે  GSPC અંગે કરેલા આક્ષેપો અને નિવેદનોને બિનપાયેદાર તથા હકીકત જોયાંજાણ્યાં વિના કરેલા આક્ષેપો ગણાવ્યા છે. પટેલે વળતો જવાબ આપતાં કહ્યું ત GSPCની સિદ્ધિઓને વિપક્ષ કોંગ્રેસના જે લોકો સાંખી શકતા નથી તેવા લોકો જ નીરક્ષીર વિવેક કે વિચાર કર્યા વિના GSPCની વિવિધ ગતિવિધિઓનો વિરોધ કરવા નીકળ્યાં છે. હાઇડ્રો કાર્બન એકસપ્લોરેશનના બિઝનેસની મૂળભૂત બાબતોનું જ્ઞાન જ જયરામ રમેશને નથી એમ તેમના પાયાવિહોણા આક્ષેપો પૂરવાર કરે છે.

ગુજરાત જ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ૧પ લાખ જેટલા ઘરોમાં PNG ગેસ નેટવર્ક ધરાવે છે. દેશના બીજા કોઇ પણ રાજ્યએ આ સીમાચિન્હ રૂપ કામ કર્યુ છે ખરૂં? તેવો સવાલ તેમણે કર્યો હતો.

સૌરભ પટેલે જણાવ્યું કે આક્ષેપોના સંદર્ભમાંજ્યાંસુધીCAG અહેવાલને લાગે વળગે છે ત્યાં સુધી CAG એ તેના કોઇ અહેવાલમાં આ પ્રકારના કોઇ કૌભાંડનો ઉલ્લેખ કર્યો જ નથી. GSPC એ હંમેશા એક જવાબદાર વ્યવસાયિક કંપની તરીકે જ પોતાના કારોબાર કર્યા છે અને CAG એ કયારેય પણ ઇરાદાપૂર્વકની ગેરરીતિ કે અનિયમીતતાઓ GSPCના બિઝનેસ-વ્યવહારોમાં થઇ છે એવું કહ્યું નથી કે નથી એવી કોઇ ટીકાટિપ્પણી કરી. GSPCને આ કે.જી. બ્લોક ઇન્ટરનેશનલ કોમ્પીટીટીવ બિડીંગ- માપદંડોના આધારે જ ફાળવવામાં આવ્યો હતો.

તેમના જ પક્ષની યુપીએ સરકારે કે.જી.બ્લોકમાટે વાર્ષિક  કાર્યયોજના અને તે માટેના બજેટ દર વર્ષે મંજૂર કરેલા જ છે તેમ પણ ઊર્જાપ્રધાને જયરામ રમેશને આડે હાથ લેતાં કહ્યું હતું. કેન્દ્રની તત્કાલિન કોંગ્રેસ-UPA સરકારે કે.જી. બ્લોકના એકાઉન્ટસ ઓડિટ કરવા માટે ઓડિટર્સની નિમણૂક કરેલી. આમાં પણ પ્રોડકશન શેરિંગ કોન્ટ્રાકટ અન્વયે જે મેનેજમેન્ટ કમિટિ હતી તેનું નેતૃત્વ કેન્દ્રની UPA સરકારના પ્રતિનિધિ કરતા હતા. તે કમિટીએ પણ ર૦૧૪ સુધી કે.જી. બ્લોકમાં થયેલો ખરેખર ખર્ચ અને હિસાબો તપાસેલા જ છે.

GSPC કયારેય તેની કોઇ લોન ભરપાઇ કરવામાં ડિફોલ્ટ થઇ નથી તેથી GSPCને રિઝર્વ બેન્કનો ફેબ્રુઆરી ર૦૧રનો સરકયુલર લાગુ પાડવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી. GSPC એક પણ દિવસ માટે લોન હપ્તા સંદર્ભમાં ડિફોલ્ટ થઇ નથી.જયરામ રમેશ અલાહાબાદ હાઇકોર્ટ સમક્ષના કેસનો જે ઉલ્લેખ કરે છે તેને GSPC સાથે કોઇ લેવા દેવા જ નથી એમ સ્પષ્ટ જણાવતા પટેલે જણાવ્યું કે એ કેસ ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા રીઝર્વ બેન્કના સરકયુલર સામે દાખલ કરાયેલો હોઇ માત્ર પાવર સેકટરને જ સ્પર્શે છે.