NA ઑનલાઇન મંજૂરીની સંપૂર્ણ પ્રક્રિયા ૮થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી દેવા તાકીદ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણીએ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી છે કે, ઓન લાઈન NAની સંપૂર્ણ પ્રક્રિયા 8 દિવસમાં પૂર્ણ કરી મંજૂરી આપી દેવાય તે આવશ્યક છે. પારદર્શી ઢબે ટેકનોલોજીનો વિનિયોગ કરી મહત્તમ 10 દિવસમાં આ કામગીરી કરવા તેમણે સૂચવ્યું હતું.

મુખ્યપ્રધાને તમામ જિલ્લા કલેક્ટરો વચ્ચે આ NA ઓનલાઈન ઝડપી નિકાલ ની સ્પર્ધા થાય તેમજ પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તેવું આહવાન પણ સી એમ ડેશ બોર્ડના માધ્યમથી સમીક્ષા કરતા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને આવી પરવાનગી માટે ટાઈમ લિમિટની જે 90 દિવસની જૂની પુરાણી મર્યાદા છે તે હવે ટેક્નોલોજીના ઉપયોગથી ઘટાડીને માત્ર 8 થી 10 દિવસ કરવા પણ જિલ્લા તંત્ર વાહકોને સૂચના આપી હતી.

૭/૧રના ઉતારા સ્કેન કરવાની પ્રક્રિયા જે હાલ ચાલી રહી છે તે માટે ટેકનીકલ સજ્જતા વ્યાપક બનાવી એ કાર્યવાહીમાં પણ ગતિ લાવવાના સૂચનો આ સમીક્ષા દરમિયાન કર્યા હતાં. વિજય રૂપાણીએ રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતાં કહ્યું કે, આગામી  પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી લેવાય અને રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા હેકટર દીઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવીએ.

રૂપાણીએ કહ્યું કે ઓન લાઈન NAનો ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો છે અને તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન સમાન છે ત્યારે તમામ કલેક્ટરો પ્રો એક્ટિવ બનીને સમગ્ર સિસ્ટમને સરળ બનાવી અરજીઓનું ઓછામાં ઓછું રિજેક્શન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે.

મુખ્યપ્રધાને આગામી ૩૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ અને જિલ્લાતંત્રો સાથે મળીને પૂર્ણ કરે તેવી સૂચનાઓ પણ સમીક્ષા દરમિયાન આપી હતી. વિજય રૂપાણીએ ૩ જાન્યુઆરીથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટરોને લાભાર્થીઓની યાદી અને સહાય-સાધન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શીતાથી ગોઠવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક જાહેર સમારંભમાં કહ્યું હતું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગમાં થાય છે.