મુખ્યમંત્રી વિજય રૂપાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પ્રચાર કરશે

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી હવે અન્ય રાજ્યમાં ભારતીય જનતા પક્ષના પ્રચાર માટે જઈ રહ્યાં છે. ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન પૂર્ણ થયા પછી હવે મુખ્યપ્રધાન અન્ય રાજ્યોમાં પ્રચાર માટે જઈ રહ્યા છે.

સીએમ રુપાણી શનિવારે ર૭ એપ્રિલે મહારાષ્ટ્રના મુંબઇમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં અને ર૮ એપ્રિલે મધ્યપ્રદેશના સાગરમાં પ્રચારકાર્યનું નેતૃત્વ કરશે.

સીએમ રૂપાણી આવતીકાલે શનિવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી મુંબઇ મહાનગરના ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ-શૉ યોજશે. મુંબઇ ઉત્તરપૂર્વ લોકસભા બેઠક માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની મનોજ કોટકના સમર્થનમાં એ રોડ શૉ કરશે. એ પછી ભાનુશાળી વાડી, તિલકરોડ, ઘાટકોપરમાં જનસભાને સંબોધન કરશે.

બીજા દિવસે વિજયભાઇ ર૮ એપ્રિલે મધ્યપ્રદેશ જશે અને સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના ઉમેદવાર રાજબહાદૂરસિંહના સમર્થનમાં પ્રચાર કાર્યમાં જોડાશે. વિજયભાઇ રવિવારે સવારે ૧૦ વાગે રવીન્દ્રભવન સાગર (મધ્યપ્રદેશ)માં યોજાનારા પ્રબુદ્ધ વર્ગ સંમેલનમાં પણ સંબોધન કરશે.

આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ ઝોનમાંથી મહારાષ્ટ્ર ખાતે, મધ્ય ઝોનમાંથી મધ્યપ્રદેશ ખાતે, ઉત્તર ઝોનમાંથી રાજસ્થાન ખાતે અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર માટે પ્રવાસ ખેડશે. પ્રદેશ અગ્રણીઓ અને કાર્યકર્તાઓની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે ભાજપાના પ્રચાર-પ્રસાર અર્થે જશે અને જે-તે રાજ્યોની જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસલક્ષી કાર્યોથી અવગત કરાવશે.