સીએમનો વિશ્વાસઃ ચોમાસામાં પારસમણિ બની જળસમૃદ્ધિરુપે ઊગી નીકળશે શ્રમદાન

મહીસાગર- ઊનાળાના ધોમધખતા તાપમાં ગુજરાતના દરેક જિલ્લામાં લોકશક્તિ અને શ્રમદાનના પરસેવાથી હાથ ધરાઇ રહેલ જળસંચયનો પરિશ્રમ આગામી ચોમાસામાં પારસમણિ બનીને જળસમૃદ્ધિ રૂપે ઊગી નીકળવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સીએમ વિજય રુપાણી સુજલામ-સુફલામ જળસંચય-જળસંગ્રહ અંતર્ગત મહીસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના શ્રમ યજ્ઞમાં સહભાગી થવા સમયે આમ જણાવી રહ્યાં હતાં.તેમણે કહ્યું કે આ સૌથી મોટી જળસંચય પ્રવૃત્તિ રાજ્યની ભાવિ પેઢીઓને જળસમૃદ્ધિનો વૈભવ વારસો આપશે. તેમાં જનતાએ આપેલાં પોતીકાં સહયોગની પ્રસંશા કરી હતી.

આમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓનો પણ વ્યાપક  સહયોગ સાંપડી રહયો છે. જેના પરિણામે આગામી ચોમાસામાં રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે અને પીવાના પાણીની સમસ્યા ઉકેલાશે. આ અવસરે શ્રમદાન કરી રહેલાં શ્રમયોગીઓને છાશ તથા સુખડીનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

લુણાવાડા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૨૨.૮૩ કરોડના ખર્ચે સરકારી અધિકારી-કર્મીઓ માટે નિર્માણ થયેલ વિવિધ કેટેગરીના ૯૦ આવાસોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ થયું હતું.

 

મહીસાગર જિલ્લામાં પંચામૃત ડેરી દ્વારા રૂા.૧૧ લાખનો ચેક સીએમને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં જળસંચય-જળસંગ્રહના કામો માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા રૂા.૧૦ લાખ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા રૂા.૦૫ લાખ, અમૂલ ડેરી દ્વારા રૂા.પાંચ લાખ તેમજ જિલ્લાની સરકારી મંડળીઓ દ્વારા રૂા.૦૪.૫૦ લાખ સહિત કુલ રૂા.૨૪.૫૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હતો.મહીસાગર જિલ્લામાં કુલ ૪૪૬ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ૪૩૫ કામો પ્રગતિમાં છે અને ૪૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જળસંચય- જળ સંગ્રહના કામોથી ૧.૪૦ લાખ ઘનમીટર માટીનું ખોદકામ થતાં જળસંગ્રહ ક્ષમતામાં ૪૯.૪૦ લાખ ઘનફૂટ વધારો થશે.