ગત વર્ષે કરેલો વાયદો પૂરો, છઠ ઘાટનું લોકાર્પણ કરશે સીએમ રુપાણી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં ખૂબ મહાત્મ્ય ધરાવતાં છઠ પર્વની અમદાવાદમાં વસતાં પરપ્રાંતીયો પણ સાબરમતી નદીના તટમાં ઉત્સાહભેર ઉજવણી કરે છે. આ પ્રસંગમાં તેમની સાથે સીએમ વિજય રુપાણી મંગળવારે અમદાવાદમાં છઠ્ઠ સાંસ્કૃતિક મહાપર્વ-૨૦૧૮માં મંગળવારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ–હાંસોલ પાસે સાબરમતી નદીના તટે છઠ ઘાટ ખાતે સાંજે ૫-૦૦ વાગ્યે આ મહાપર્વની ઉજવણી થવાની છે. ત્યારે સીએમ દ્વારા પ્રવાસન વિભાગના રૂ. ૧૧ કરોડની ફાળવણી સાથે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્માણ પામેલા ૩૦૦ મીટરના છઠ ઘાટનું લોકાર્પણ કરવામાં આવશે.ગુજરાતમાં વસતા બિહાર રાજ્ય તેમ જ ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના નાગરિકો-પરિવારો આ છઠ મહાપર્વની પરંપરાગત ઉજવણી સાથે મળીને કરે છે. પ્રતિ વર્ષની જેમ જ આ વર્ષે પણ સીએમ આ છઠ મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવાના છે.