CM રુપાણીની ઇઝરાયેલ બુર્શ મુલાકાતઃ હીરાઉદ્યોગના ગુજરાતીઓને મળ્યાં, આપ્યું ઇજન

ગાંધીનગર-ઇઝરાયેલના પ્રવાસમાં વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી મુખ્યપ્રધાન રુપાણી ઇઝરાયેલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહેલા ગુજરાતી પરિવારોને મળ્યાં હતાં.

  • સૂરતમાં નિર્માણ થનાર ડ્રીમ સિટી વિશ્વના હીરા ઊદ્યોગને નવી દિશા આપશે
  • ઇઝરાયેલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝને સૂરતમાં પોલિશીંગ-કટિંગ માટે આવવા ઇજન
  • વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઇઝરાયેલના હીરા ઊદ્યોગકારોને આમંત્રણ

સીએમ વિજય રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ગુજરાત આવતા પૂર્વે ઇઝરાયેલના ડાયમન્ડ બ્રુશના વરિષ્ઠ સંચાલકો અને એસોસિએશનો સાથે ઘનિષ્ઠ પરામર્શ કર્યો હતો.સીએમે પોતાના ઇઝરાયેલ પ્રવાસના અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ સમય કાઢીને આ ડાયમન્ડ બુર્શની ગતિવિધિઓનો તાગ મેળવવા ગોઠવેલી મુલાકાતને ઇઝરાયેલ ડાયમન્ડ બુર્શ અને ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓએ ઉષ્માપૂર્વક વધાવી હતી.રૂપાણીએ જણાવ્યું કે, ઇઝરાયેલમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીનો જે વ્યાપ થયો છે તેમાં ગુજરાતના અહિ વસેલા પરિવારો-ઊદ્યોગકારોનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ પરિવારો પોતાની મહેનત-ધગશ અને કૌશલ્યથી ઇઝરાયેલના વેપાર ઊદ્યોગ સાથે દૂધમાં સાકર જેમ ભળી ગયા છે. ઇઝરાયેલમાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતી મૂળના વેપાર-ઊદ્યોગ સાહસિકોએ વ્યવસાય કૌશલ્યથી ગુજરાતને જે ગૌરવ અપાવ્યું છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

સીએમે ગુજરાતમાં સૂરત ડાયમન્ડ સિટી તરીકે વિશ્વખ્યાત છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, હવે સૂરતમાં જેમ્સ જવેલરી સહિત ડાયમન્ડ બુર્શ-ડ્રીમ સિટીનું નિર્માણ પ્રગતિમાં છેઆના પરિણામે હીરા ઊદ્યોગને સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝ મળતી થવાની છે ત્યારે ઇઝરાયેલના હીરા-ડાયમન્ડ ઊદ્યોગકારો સૂરત સાથે ડાયમન્ડ કટીંગ-પોલિશીંગ જેવા ક્ષેત્રોમાં સહભાગી થાય. તે ગુજરાત-ઇઝરાયેલ બેય માટે લાંબાગાળાના ફાયદા કરાવનારૂં બની શકે તેમ છે.

ગુજરાતની વૈશ્વિક ઓળખ બની ગયેલી વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયેલ ડેલિગેશન સહભાગી થાય છે તેની વિશેષ નોંધ લેતાં આગામી ૧૮-૧૯-ર૦ જાન્યુઆરી-૨૦૧૯માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં પણ ઇઝરાયેલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ડેલિગેશન પાર્ટીસીપેટ કરીને મેઇક ઇન ઇન્ડીયાને સાકાર કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

તેમણે ઇઝરાયેલની ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાપૂર્વક પ્રદાન કરી રહેલા ગુજરાતીઓને ભારત-ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ગૌરવ વધારવા માટે પણ બિરદાવ્યા હતા.