CM રુપાણીનો ઇઝરાયલમાં પ્રથમ દિવસઃ ડેન રિજિયન વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી

શેફડેન– મુખ્યપ્રધાન વિજય રુપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિમંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. 1977થી મેકોરોટ – Mekorot કંપની દ્વારા ૨૫૦ મિલિયન ડોલરથી સ્થાપિત આ પ્લાન્ટ ઇઝરાયલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર – ૩૭૦ MLD શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે. મુખ્યપ્રધાને આ પ્લાન્ટની મુલાકાત દરમિયાન કહ્યું કે ગુજરાત અને ઇઝરાયલ બેઉ સ્થળ પાણીની સમાન સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ઇઝરાયલે નેચરલ વોટર, રિસાયકલ્ડ વોટર અને ડિસેલિનેશન વોટરથી પોતાની પાણી જરૂરિયાતો વ્યાપકપણે સંતોષી છે, તેના અનુભવ જ્ઞાન અને ગુજરાત- ઇઝરાયલ વચ્ચે સહભાગિતાની તકો વિકસાવીને ગુજરાતમાં ૨૦૫૦ સુધી કોઇ જળ સમસ્યા ન થાય તેવું આયોજન અને કામ કરવું છે.

૧૬૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. એટલું જ નહીં, જુદા જુદા શહેરોમાં સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નેટવર્ક પણ ગુજરાતમાં છે. રાજ્યમાં સારા પ્રમાણમાં કુદરતી જળસ્રોત પણ છે ત્યારે હવે આ જળ સંસાધનોનો કાર્યદક્ષ ઉપયોગ કરીને ગુજરાતને ૨૦૫૦ સુધી જળ સુરક્ષિત રાજ્ય બનાવવું એ સમયની માગ છે. આ સંદર્ભમાં રુપાણીએ કહ્યું કે ગુજરાતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પૉલિસી લૉન્ચ કરી છે. જોડીયા પાસે ૧૦૦ MLDનો ડિસેલિનેશન પ્લાન્ટ પણ કાર્યરત થવાનો છે, તે ઉપરાંત અન્ય ૧૦ ડિસેલિનેશન પ્લાન્ટ્સ રાજ્યના દરિયા કિનારે શરૂ કરીને સમુદ્રી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઇઝરાયલ-ગુજરાતના સહભાગી પ્રયાસો ફળદાયી બનશે. સીએમે ગુજરાતમાં તાજેતરમાં રાજ્ય સરકારે ‘રીયૂઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી’ લોન્ચ કરીને શહેરો-નગરોના વેસ્ટ વોટર ટ્રીટ કરી તેનો વપરાશ માટે પુનઃ ઉપયોગ કરવાની જે પહેલ કરી છે, તે સંદર્ભમાં ઇઝરાયયલના આ પ્લાન્ટની ઉપયોગિતા અને ટેક્નોલોજિકલ સહભાગિતા ગુજરાતમાં થઇ શકે તે માટે સૂચનો કર્યા હતાં. તેમણે એમ પણ સૂચવ્યું કે રાજ્યના મહાનગરો અને વિકસી રહેલા નગરોમાં ઇઝરાયલની આ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજીથી વધુ સારી રીતે વેસ્ટ વોટર એકત્રીકરણ અને ટ્રીટમેન્ટ કરી તેને પીવાના ઉપયોગ સિવાય પુનઃવપરાશ ઉપયોગ થઈ શકે.