ગુજરાત-ઇઝરાયેલ કૃષિ-બાગાયત સહિતના ક્ષેત્રે જોઇન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરાશે

ઈઝરાયલ– ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની આગેવાનીમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઈઝરાયલની મુલાકાતે છે, ઈઝરાયલ પ્રવાસના બીજા દિવસે વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ જોઇન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરશે.મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણીની ઇઝરાયેલના કૃષિ-ગ્રામીણ વિકાસપ્રધાન ઉરી અરિયલ  સાથેની તેલ અવીવમાં યોજાયેલી સૌજન્ય મૂલાકાત દરમ્યાન આ જોઇન્ટ વર્કિંગ ગૃપની રચના અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.

ઇઝરાયેલના કૃષિપ્રધાન ઉરી અરિયલે ઇઝરાયેલ-ગુજરાતના કૃષિ-બાગાયત સહિતના અન્ય ક્ષેત્રમાં પરસ્પર આદાન-પ્રદાન માટે આવું જોઇન્ટ વર્કિંગ ગૃપ રચવાની કરેલી દરખાસ્તનો મુખ્યપ્રધાને સકારાત્મક પ્રતિભાવ આપતાં આ જોઇન્ટ વર્કિંગ ગૃપ કાર્યરત કરવાની સ્વીકૃતિ આપી હતી.

રુપાણીએ કહ્યું કે, આ જોઇન્ટ વર્કિંગ ગૃપ રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ સંજય પ્રસાદના નેતૃત્વમાં ગર્વનમેન્ટ-ટુ-ગર્વનમેન્ટ G2G બેઝિઝ પર સાથે  મળીને કાર્યરત થશે, જોઇન્ટ વર્કિંગ ગૃપ ગુજરાત ઇઝરાયેલ વચ્ચે B2B બિઝનેસ ટુ બિઝનેસ સ્તરના કોલોબરેશન માટેની સંભાવનાઓ પણ ચકાસશે.

સીએમ રૂપાણીએ ઉરી અરિયલ સાથે ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે કૃષિ બાગાયત ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સંયોજનની વિવિધ તકો અંગેની  વિશદ ચર્ચાઓ કરી હતી.

વિજય રૂપાણીએ આ વેળાએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત સરકાર  ખેતી અને ખેડૂતોની સમૃધ્ધિને સંપૂર્ણ અગ્રીમતા આપે છે. ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં વડાપ્રધાનના સંકલ્પને સિધ્ધ કરવા માટે ગુજરાત પ્રતિબધ્ધ છે.રૂપાણીએ ગુજરાત ડેલિગેશનની નેટાફિમ સહિત અન્ય એગ્રીફાર્મની મૂલાકાતના સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતમાં કૃષિ-બાગાયત ક્ષેત્રમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના પ્રયોગો સહિત ડિઝીટલ ફાર્મિંગ, પાણી, ખાતર અને એગ્રી ઇનપૂટના ઇષ્ટતમ ઉપયોગમાં ઇઝરાયેલ પ્રો-એકટીવ ભૂમિકા નિભાવી શકે તેમ છે.