ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા માટે સક્ષમ બનાવવા રૂપાણીનું આહવાન

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આઠ મહાનગરોના મેયર-કમિશનર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યપ્રધાને રાજ્યના મહાનગરોમાં બ્રોડ વિઝન અને પ્લાનીંગ સાથે સ્વચ્છતા કામગીરી, ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ વેસ્ટ વોટર તેમજ શહેરી વિકાસની ટી.પી. સ્કીમની માળખાકીય સુવિધાના કામોમાં વેગ લાવી ગુજરાતના શહેરોને વિશ્વના શહેરો સાથે સ્પર્ધા કરે તેવા સજ્જ કરવા આહવાન કર્યુ છે.ગાંધીનગરમાં શહેરી વિકાસ વિભાગના ઉપક્રમે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૂરત, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠેય મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ, મ્યુનિસિપલ કમિશનરોની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં મહાનગરોના નગર સુખાકારી કામોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે દરેક મહાનગર સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર રેન્કીંગ પ્રાપ્ત થાય તે દિશામાં સ્વચ્છતા-સફાઇના કામો ઉપાડે. આ સંદર્ભમાં તેમણે ઘન કચરાના સેગ્રીગેશન, યોગ્ય નિકાલ તથા વેસ્ટ મેનેજમેન્ટનો સુચારૂ ઉપયોગ કરીને સ્વચ્છતા-સફાઇ ક્ષેત્રે લોકોને સ્પષ્ટ દેખાય એવું કાર્ય આયોજન કરવા સૂચવ્યું હતું.

કોર્પોરેશનનું કલ્ચર સમગ્રતયા બદલવાની પ્રતિબધ્ધતા દર્શાવતાં કહ્યું કે, મહાનગરોમાં નાગરિકોને મેળવવાની થતી તમામ પરવાનગી-મંજૂરીઓ-સેવાઓ ઓનલાઇન મળતી થાય અને સામાન્ય નાગરિકને ઘેર બેઠાં બધી સેવાઓ મળી રહે તેવા આયોજનની મુખ્યપ્રધાને નેમ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત પાણીની જરૂરિયાતને પહોચી વળવા ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને રિસાયકલીંગ ઓફ યૂઝડ વોટરના કામોને ટોપ પ્રાયોરિટી આપવા તાકિદ કરી હતી. મહાનગરોમાં સંપૂર્ણપણે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૧ વર્ષમાં ઊભા થઇ જાય તે માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો.