અમદાવાદમાં રૂ. ૯૦૦ કરોડના કાર્યોનું મેરેથોન લોકાર્પણ-ભૂમિપૂજન થયું

અમદાવાદ– અમદાવાદ મહાનગરમાં આજે રૂપિયા ૯૦૦ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘‘અમે તો ૧ રૂપિયો આવે તેની સામે સવા રૂપિયાનું વિકાસ કામ કરનારી સંસ્કૃતિના લોકો છીયે’’. રૂપાણીએ અમદાવાદ મહાપાલિકા દ્વારા નિર્મિત ફલાય ઓવરબ્રીજ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ અને ૪ બ્રિજના ભૂમિપૂજન સંપન્ન કર્યા હતા.

તેમણે આ અવસરે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફર જનતાની સુવિધા માટે નવી ખરીદાયેલી પ૭પ બસ પૈકી ૪૦ બસને ફલેગ ઓફ પણ કરાવ્યો હતો. નવનિયુકત કંડકટરોને નિમણૂકપત્રો અર્પણ કર્યા હતા. મુખ્યપ્રધાને ઉમેર્યુ કે, સમગ્ર દેશમાં ગુજરાતના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે યુરો-૪ બસ સુવિધા પેસેન્જર્સને આપવાનું ગૌરવ મેળવ્યું છે. આના પરિણામે પ્રદૂષણ નિયંત્રણ સાથે જ ઇંધણ કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે.ગુજરાતમાં બેરોજગારી છે તેવા વિપક્ષી યુવા નેતા રાહુલ ગાંધીના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં રૂપાણીએ કહ્યું કે, એક જ વર્ષમાં ૭ર હજારને નોકરી અને ભરતી કેલેન્ડરથી મેનપાવર પ્લાનીંગ અમે કર્યુ છે. ભૂતકાળમાં કોંગ્રેસી મુખ્યપ્રધાનના સમયમાં ભરતી પર પ્રતિબંધ લાદીને ર૦ ટકા જગ્યાઓ નાબૂદ-એબોલિશ કરી દઇ યુવાઓને બેરોજગાર રાખવાનું પાપ તેમણે કર્યુ હતું એ રાહુલ ગાંધી કેમ ભૂલી જાય છે?. તેમણે કહ્યું કે, એસ.ટી. નિગમ સહિત પોલીસદળ અને અન્ય સરકારી વિભાગોમાં એક જ વર્ષમાં ૭ર હજારથી વધુ રોજગાર અવસરો સંપૂર્ણ પારદર્શી પદ્ધતિથી આ સરકારે આપ્યા છે. ખાનગી ક્ષેત્રે ૧૦ લાખ જેટલી રોજગારી પૂરી પાડી છે.