દિલ્હીમાં સીએમે કરી ચર્ચાઃ પાક લોન, વ્યાજ રાહત સહિતના મુદ્દાઓ રજૂ કર્યાં

0
1383

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આ બેઠકમાં હાથ ધરી હતી.

મુખ્યપ્રધાનના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં કૃષિપ્રધાન આર. સી. ફળદુ અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ પ્રધાનને મળ્યું હતું.

રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડિંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.  કેન્દ્રીય કૃષિ પ્રધાન સાથેની આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના ૩૦ જૂન ર૦૧૯ સુધી લંબાવવામાં આવશે.

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવાશે.

ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે. ખેત ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક સુધારણા માટે તેમજ કૃષિ કલ્યાણને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુકતપણે પગલાં લેશે તે બાબતો પણ આ બેઠકમાં ફોકસ કરવામાં આવી હતી.

આ બેઠક બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવનિયુકત કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરસોત્તમ રૂપાલાની પણ તેમના કાર્યાલયમાં જઇને સૌજન્ય મૂલાકાત કરી હતી.