GMDC ગ્રાઉન્ડ પર એજ્યુકેશન એક્સ્પો શરુ, રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબઃ CM

અમદાવાદ- જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોને ખુલ્લો મુકતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અહીં યોજાયેલા એક્સ્પોમાં વિદ્યાર્થીઓને ગુજરાતની વિવિધ કોલેજો, વિવિધ યુનિવર્સિટીઓ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમોની માહિતી ઉપલબ્ધ બનશે. કારકિર્દીની પસંદગી વાલીઓ સાથે વિદ્યાર્થીઓ માટે પણ પડકારરૂપ હોય છે ત્યારે વિદ્યાર્થીઓને આ અંગે એક જ સ્થળેથી માર્ગદર્શન અને માહિતી મળે તે સમયની માગ છે.

તેમણે જણાવ્યું કે, અત્યારે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન ચાલુ છે અને આગામી સપ્તાહમાં જ વિવિધ કોલેજો શરૂ થશે ત્યારે અહીં યોજાયેલો એક્સ્પો રાઇટ ટાઇમ ફોર રાઇટ જોબ છે. રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નવ યુનિવર્સિટીઓ હતી તે વધારીને આજે ૬૦ યુનિવર્સિટીઓ વૈવિધ્યસભર વિષયોનું જ્ઞાન પીરસે છે.

વિદ્યાર્થીઓને સફળ અને સારી કારકિર્દીની ઝંખના હોય છે તો સામે કારકિર્દીની પસંદગી એક સ્ટ્રગલ હોય છે ત્યારે આવા એજ્યુકેશન એક્સ્પો દ્વારા જ વિદ્યાર્થીઓને સાચી દિશા પ્રાપ્ત થતી હોય છે.

ટીવી નાઇન ચેનલના હેડ કલ્પક કેકડેએ કહ્યું કે, વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય સલાહ મળે અને શિક્ષણને બજાર નહીં પરંતુ મૂલ્યવૃદ્ધિ તરીકે લઇને પ્રતિ વર્ષ રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં એજ્યુકેશન એક્સ્પો યોજી શિક્ષણ ક્ષેત્રને આગળ લઇ જવાનો પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો, વિઝા કન્સલ્ટન્સીના સ્ટોલ લગાવવામાં આવ્યા છે જ્યાંથી શિક્ષણ અને કારકિર્દીને લગતી વિવિધ જાણકારી નાગરિકો અને વિદ્યાર્થીઓ મેળવી શકશે.