સહજાનંદી યુવાશિબિરમાં સીએમ રુપાણીઃવિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે યુવા

વડોદરાઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ૨૧મી સદી ભારતની સદી છે, ત્યારે યુવાનોને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરી સમગ્ર વિશ્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા પ્રયત્ન કરવા જોઇએ.

સીએમ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સહજાનંદી યુવા શિબિરને જ્ઞાનજીવનદાસજી સ્વામી સંતો મહંતો, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ  રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી.

આ સંદર્ભે મુખ્યપ્રધાને જણાવ્યું કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. યુવાનોની શક્તિ એ જ જ્ઞાનશક્તિ છે, ત્યારે યુવાનોને મહત્તમ તકો આપી તેમની રચનાત્મક શક્તિઓનો રાષ્ટ્ર ઘડતરમાં ઉપયોગ કરાશે.આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ “સ્પિરીરયુઅલ લીડરશીપ” પુસ્તકના ગુજરાતી હિન્દી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને મંદિરમાં દર્શન કરી જ્ઞાનજીવનદાસ સ્વામીના આશીર્વાદ લીધાં હતાં.

તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપણી ઋષિ પરંપરા અનુરૂપ આધ્યાતિમકતા સાથે યુવાનોનું ઘડતર થઇ રહ્યુ છે. જેને પરિણામે ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બન્યો છે.સંત પરંપરાને કારણે ધર્મ અને સંસ્કૃતિ સલામત છે. સત્ય, ન્યાય, નીતિ, સદાચારના આધાર પર ‘સ્વ’થી સમષ્ટિ, ‘આત્મા’થી પરમાત્મા અને જીવથી શિવની પ્રાપ્તિ થાય છે.

ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને દિશા દર્શન કરાવ્યું છે. આપણી સંસ્કૃતિ સર્જન અને સૌના સુખે સુખી- સૌના દુખે દુખી તેમજ બીજાને મદદરૂપ થવાની પ્રેરણા આપે છે તેમ જણાવ્યુ હતું.આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ જેવા યુવા ક્રાંતિકારીઓએ શહીદી વહોરી ભારતમાતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી હતી તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાને યુવાનોને સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદ સાથે જીવનમાં ધીરજ-હિંમતપૂર્વક અને નીડરતાથી આગળ વધવાની શીખ આપી હતી.

આ તકે સ્વામી જ્ઞાનજીવનદાસજીએ મુખ્યમંત્રીશ્રીને સંવેદનશીલ અને મોટા મનના માણસ ગણાવતાં જણાવ્યું હતું કે જીવ માત્રના કલ્યાણ માટે વરેલા મુખ્યમંત્રીશ્રીના કામો દ્વારા તેમનું વ્યક્તિત્વ ઉભર્યુ છે. ગુજરાતની સુખસમૃદ્ધિ અને વિકાસ માટે તેમણે મુખ્યપ્રધાનને શુભાશિષ  પાઠવ્યાં હતાં. સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુ કે આધુનિક યુગમાં આદર્શ આધ્યાત્મિક જીવન જીવવુ પડકારરૂપ છે, ત્યારે ગુરૂવર્યઞાનજીવનદાસ સ્વામીએ યુવા પેઢીના ઘડતર માટે નવીન રાહ બતાવ્યો છે. રાજદંડ અને ધર્મદંડ એકમેક થાય તો સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.