RVM કાર્યરત કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં CM રુપાણી, વિવિધ યોજનાઓ મૂકી

ગાંધીનગર– વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમ જ પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ અવસરે ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના તમામ જીવો, વ્યવસ્થાનો વિચાર કરીને વિકસાવાયેલી જીવન પદ્ધતિના ગુણગાન ગવાયાં હતાં.આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનું યજમાન ભારત બન્યું છે ત્યારે ગુજરાત પણ પ્લાસ્ટિકના પ્રદૂષણને દૂર કરવાના અનેક ઉપાયો કરવામાં અગ્રેસર રહેશે અને તે માટે ઘડાયેલી રુપરેખાનો ચિતાર આપવામાં આવ્યો હતો.

  • પ્લાસ્ટિક બોટલ્સના રીસાયકલિંગ માટે રીવર્સ વેન્ડિગ મશીન

પાણી, ઠંડા પીણાં વગેરેની PET-પ્લાસ્ટિક બોટલ્સના રિસાયકલીંગ માટે રાજ્યભરમાં મોટાપાયે રીવર્સ વેન્ડીગ મશીન RVM લગાવવાની જાહેરાત કરી હતી. તેમાં વીણનારા મજૂરો તેમ જ RVMમાં બોટલ્સ નાખનારી વ્યકિતને પણ રૂ. ૧ નું વળતર મળશે. આ યોજના માટેના ટેન્ડરીંગ અને વહીવટી પ્રક્રિયા એક સપ્તાહમાં કરી દેવાશે.પ૦ માઇક્રોનથી ઓછી જાડાઇની પ્લાસ્ટિક થેલીનો ઉપયોગ-વપરાશ સદંતર બંધ થાય તે માટે સ્થિતિ નિર્માણ કરવાના હેતુસર તલસ્પર્શી અભ્યાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના.

  • અમદાવાદ મહાનગરને એર પોલ્યુશનથી મુકત કરવા આ હવા પ્રદૂષણના કારણો એક ઉચ્ચકક્ષાની સમિતી બનાવી એક મહિનામાં અહેવાલ આપવામાં આવશે.
  • પ્લાસ્ટિક હટાવ-પર્યાવરણ સ્વચ્છતા અભિયાન સમગ્ર રાજ્યમાં પાંચમી જૂનથી ૧૧મી જૂન સુધી યોજવાની જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યના તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકામથકો સહિત ૪૦૦ ઉપરાંત નગરોમાં અને તેની ર કિલોમીટરની પેરીફેરીમાં આ વ્યાપક સ્વરૂપે હાથ ધરાશે. આ સપ્તાહ દરમિયાન પ્લાસ્ટિક સહિતનો કચરો ઉપાડી લઇ હેલ્ધી ગુજરાતનું નિર્માણ કરવા સાથે આ કચરો વરસાદી પાણી સાથે ભળીને ગટર-નાળા-નદીઓ બ્લોક ન કરે તેની પણ તકેદારી રાખવામાં આવશે.આવા કચરાનું યોગ્ય રીસાયકલીંગ, રીયૂઝ અને જે પુન:વપરાશયુકત ન હોય તેનો નિકાલ એમ ત્રિવિધ વિષયો પર ફોકસ કરવામાં આવશે.
  • દરિયાકિનારાના બીચને ક્રીસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવી પ્લાસ્ટિક અને અન્ય કચરાના પ્રદૂષણથી મુકત રાખવામાં આવશે. રાજ્યમાં શિવરાજપુર અને અહેમદપુર માંડવી બીચને આવા ક્રિસ્ટલ કિલયર બીચ તરીકે વિકસાવાશે.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે મોટા અને નાના ઉદ્યોગકારોને ગુજરાતના કલીનર  પ્રોડકશન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ વિજેતાને રૂ.૫૦ હજાર રોકડા અને દ્વિતીય ક્રમે આવનારને ૨૫ હજાર રોકડા અને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. જી.પી.સી.બી., ગીર ફાઉન્ડેશન, ગેમી દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકોનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ ગાંધીનગર જિલ્લાની કલોલ, પેથાપુર, માણસા અને દહેગામ નગરપાલિકાને સ્વચ્છતાના સાધનોની ચાવી અર્પણ કરાઇ હતી. રાજ્યભરમાં આવા ૬૮૪ મિનિ ટ્રક  અને ૩૬૯ ટ્રેકટરનું વિતરણ કરાયું હતું.જી.પી.સી.બી. દ્વારા ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ ઉપર દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જોખમી કચરાના વહન દરમિયાન આધુનિક ટેકનોલોજી જેવી કે જીઓ ફેન્સીંગ, જી.પી.એસ. ટ્રેકીંગ ઓટોમેટિક સિસ્ટમ એલર્ટ વગેરે દ્વારા જોખમી કચરાના વહન કરતા ટ્રક, ટેન્કર અને વિવિધ સાધનોનું સતત મોનીટરીંગ થાય તે હેતુસર ઇન્ડિયન કેમિકલ કાઉન્સીલ દ્વારા રીસ્પોન્સીબલ કેર કોડ અંતર્ગત શરૂ કરાવામાં આવેલ નાઇસર ગ્રુપના અમલીકરણ માટે આજે સીએમની ઉપસ્થિતિમાં જી.પી.સી.બી.એ વિવિધ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. જેમાં ‘નાઇસર ગ્લોબ સ્કીમ’ હેઠળ જી.પી.સી.બી.-ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલ-ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ સાથે તેમજ જી.પી.સી.બી.-ઈન્ડિયન કેમિકલ કાઉન્સિલ તથા નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરાયા હતા. આ ઉપરાંત નોલેજ શેરિંગ માટે જી.પી.સી.બી. અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.મહાત્મા મંદીર ખાતે પર્યાવરણના જતનના હેતુથી પ્લાસ્ટિકના ઉપયોગ અંગેનું પ્રદર્શન ખુલ્લું મૂકાયું હતું