ચમારડી ઉપવાસ આંદોલનમાં એક માલધારીનું મોત, કોંગ્રેસે કાઢી સરકારની ઝાટકણી

ભાવનગર-વલભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારીઓ ગૌચરની 1416 વીઘા જમીન દબાણમુક્ત કરાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર હતાં. તેમાના એક આગેવાન રેવાભાઈ ગોદડભાઈનું આજે આંદોલન દરમિયાન અવસાન થયું છે. આ સંદર્ભે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારની તીખી આલોચના કરી છે.ધાનાણીએ જણાવ્યું કે વિરોધપક્ષના નેતા તરીકે બે-બે વખત રજૂઆત કરી હોવા છતાં નિંભર તંત્રએ ધ્યાન નહીં આપતાં ઉપવાસ આંદોલન પર બેઠેલા માલધારી સમાજના આગેવાને આજે જીવ ગુમાવવો પડયો છે. ખેડૂતો અને પશુપાલકો માટે આ સરકાર સંવેદનશીલ નથી. રાજ્યના ગામોને ગૌચરમુક્ત બનાવવા ભાજપ સરકાર કટિબદ્ધ છે. આજે રાજ્યના ૧૮,૦૦૦ ગામો પૈકી ૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના છે. આ સમગ્ર પ્રકરણની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવા,  ગૌચર જમીનો પરના દબાણ ખુલ્લાં કરાવવા અને ભૂમાફીયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

આ કેસમાં કલેક્ટર ભાવનગર દ્વારા ગૌચરની જમીનની સરકારી ખર્ચે માપણી કરાવવા તેમ જ આ જમીન પર થયેલ દબાણ ખુલ્લું કરાવવા હુકમ કર્યો હતો. પરંતુ 22 માસ જેટલો લાંબો સમય પસાર થયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થઇ ન હતી. જેથી માલધારી સમાજના આગેવાનો 14મી મેથી પુનઃ ઉપવાસ આંદોલન પર બેઠાં હતાં. 22 તારીખે તેઓએ વિપક્ષ નેતાના કાર્યાલયમાં રુબરુ મળીને રજૂઆત કરતાં પરેશ ધાનાણીએ ભાવનગર ક્લેક્ટરને કાર્યવાહી કરવા જણાવ્યું પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ ધાનાણીએ કર્યો છે.