પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મક: શાહ સાથે મુલાકાત બાદ સી.કે પટેલનો ખુલાસો

અમદાવાદઃ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ પૌત્રીનાં જન્મદિનનાં પ્રસંગે ગુરૂવારે અમદાવાદ આવ્યાં હતાં. આ સમયે તેમણે વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પાટીદાર આગેવાન સી.કે. પટેલ સહિત સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાટીદારોમાં ટીકિટ વહેંચણીને લઈને પ્રવર્તી રહેલી નારાજગી દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.

આ મુલાકાત બાદ આજે સી.કે.પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની વાત થઈ. પાટીદાર આંદોલનકારીઓના ક્રાઇમ કેસને લઈને ચર્ચા થઈ. આ મુદ્દે પરિવારના એક સભ્યને નોકરી આપવાની વચન આપ્યુ છે. ટૂંક સમયમાં પાટીદારોની માગણીઓ પૂરી કરવા વચન આપ્યુ છે. બિન અનામત આયોગ અને નિગમનો લાભ વધુ મળશે.પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મક છે. ખેડૂતલક્ષી પણ વાતચીત થઈ. બીન અનામત આયોગના બજેટનો પૂરો લાભ લઈ શકાય તે મુદ્દે ચર્ચા થઈ. પાટીદારો માટે સરકારનો અભિગમ સકારાત્મક છે અને બાકીના કામો પણ સરકાર વહેલામાં વહેલી તકે પુરા કરશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મામલે DYCM નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને સરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ અપાયો. ગઈકાલે અમિત શાહની મુલાકાત માટે સામેથી સૂચન કરાયુ હતું. આર.પી. પટેલના ઘરે મુલાકાત કરાઈ હતી. પાટીદાર સમાજ નારાજ નથી. પાટીદાર સમાજને આ વખતે વધુ ટિકિટ અપાઇ છે. 26 બેઠકમાં દરેક સમાજને ધ્યાને રાખી ટિકિટ આપવાની હોય છે.