સીઆઈડી ક્રાઇમ પ્રાથમિક તારણઃ મગફળી ગોડાઉન આગ ઘટના આ રીતે બની

રાજકોટ- મગફળી ગોડાઉનમાં લાખો રુપિયાની મગફળી સળગી જવાની ઘટનાની તપાસ કરી રહેલી સ્ટેટ સીબીઆઈની ટીમે આજે જણાવ્યું છે તે આગના કારણોની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે વેલ્ડિંગ કામના કારણે આગ લાગી હતી. ભારે ઉહાપોહ બાદ રાજ્ય સરકારે સીબીઆઈને આગની ઘટનાની તપાસ સોંપી છે અને ટીમે પોતાની કાર્યવાહી શરુ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે ગોંડલના ઉમવાળા રોડ સ્થિત રામરતન મગફળી ગોડાઉનમાં ત્રણ દિવસ પહેલાં સાંજે શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી જેમાં આશરે બે લાખ ગુણી- 28 કરોડ રુપિયાની કીમતની મગફળી બળીને ખાખ થઇ હતી. આ આગના ધૂમાડા હજુ પણ નીકળી રહ્યાં છે.મગફળીમાં ઓઇલ હોવાના કારણે આગ હજુ પણ છે અને કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. ઘટનાના 48 કલાક બાદ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઇ હતી. આ સીટ ટીમમાં સાત અધિકારીઓની નિમણૂક થઇ છે. જેનું સુપરવિઝન ડીઆઈજી દીપાંકર ત્રિવેદી કરી રહ્યાં છે.એક પત્રકાર પરિષદમાં દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તપાસ કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે અને નિષ્ણાતોને આ ઘટના પાછળ ગુનાહિત કૃત્ય લાગશે તો ફરિયાદ દાખલ કરવામાં આવશે. ઘટનાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે. ગોડાઉનમાં વીજ કનેક્શન ન હતું કે કોઇ જ્વલનશીલ પદાર્થ પણ ન હતો તો આગ લાગી કેવી રીતે તેની શંકામાં તપાસના ઘેરામાં આવતાં લોકોની પૂછપરછ પણ શરુ થઇ ગઇ છે.

જ્યારે જિલ્લા કક્ષાના એક અધિકારીએ અમુક સૂત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગ ગોડાઉનની અંદરથી લાગી ન હતી પરંતુ કૌભાંડને રફેદફે કરવા માટે બહારથી આગ લગાડવામાં આવી હતી તેથી આ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યાં છે.