નવરાત્રિ સ્પેશિઅલ: જાણો કચ્છના માતાના મઢનો વિશેષ મહિમા…

કચ્છ- કચ્છ જિલ્લામાં ભૂજથી ૯૦ કિલોમીટરના અંતરે માતા આશાપુરાનું મંદિર સ્થિત છે. જે ગુજરાતભરમાં તેમ જ ગુજરાતીઓમાં માતાના મઢ તરીકે પ્રસિદ્ધ છે. આ મંદિરની ચારેબાજુ નાનીનાની ટેકરીઓ અને પર્વતો મનોરમ્ય દ્રશ્યો સર્જે છે. કચ્છીઓ કોઈપણ કામની શરૂઆત મા આશાપુરાના દર્શનથી કરે છે, જેને પગલે તમામ ભક્તોની આશા મા આશાપુરા પુરી કરે છે. નવરાત્રિના આ પાવન દિવસોમાં ચાલો આપણે માં આશાપુરાનો મહિમા ગાઈએ…

કચ્છના લખપત તાલુકામાં પર્વતોને ટેકરીઓ વચ્ચે આવેલું ‘માતાનો મઢ’ કહો કે આશાપુરા મંદિર લાખો ભક્તોની શ્રદ્ધાનું સ્થાન છે. આ સ્થાનકના મહિમાની વાત કરીએ તો લોકવાયકા મુજબ આશરે દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામના વેપારીએ આસો મહિનાની નવરાત્રિએ માતાની આરાધના કરવા અહીં માતાજીની મૂર્તિનું સ્થાપન કર્યું. દેવચંદની ભક્તિથી પ્રસન્ન થયેલાં માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી આ સ્થાને મંદિર બંધાવવાનો સંદેશ આપ્યો, અને છ મહિના સુધી મંદિરના દ્વાર બંધ રાખવા કહ્યું હતું. વાણિયાએ પ્રસન્નતા અનુભવી અને માતાજીનો આદેશ આંખમાથે ચડાવ્યો અને મંદિરની રખવાળી માટે અહીં આવીને વસી પણ ગયો. પાંચ મહિના પૂરાં થયાં પછી મંદિરના દ્વાર પાછળથી એક વખત વાણિયાને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. હવે દેવચંદથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલી નાંખ્યાં. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયાં. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમય પૂર્ણ થયો નથી અને એક મહિના પહેલાં મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું.

પશ્ચાતાપ અનુભવતો દેવચંદ વાણિયો માતાજીના ચરણોમાં પડી ગયોને માફી માગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહ્યું. આ પછી માતાજી અદ્રશ્ય થઈ ગયાં.

અહીં આશાપુરા માતાની છ ફૂટ ઉંચી અને છ ફૂટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. અને આ સ્થાનક તેના પરચાઓને લઈને આજે સદીઓ બાદ પણ પરમ આસ્થાનું પ્રતીક છે. કહેવાય છે કે ભારતની પશ્ચિમ સરહદે મા આશાપુરા રક્ષા કરે છે અને સૈન્ય પણ તેને આદર આપે છે. સાથે જ માન્યતા છે કે આ મંદિર પરથી જે કોઇ રાજનેતા વિમાન માર્ગે પસાર થાય છે તેની ગાદી જતી રહે છે.

આ મંદિર ખૂબ જૂનું હોવાને લઇને આ વિસ્તારની વિષમ કુદરતી આફતોનું સાક્ષી બનવા છતાં જિર્ણોદ્ધાર પામીને ઊભું રહ્યું છે. ૧૮૧૯માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ખૂબ ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દીધું હતું  ત્યાર બાદ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું.આમ સાતત્યના સત્ય સાથેફરીફરી બેઠું થતું શ્રદ્ધાનું આ ધામ, માતાનો મઢ બારેમાસ ભક્તોથી ઊભરાતો રહે છે. મા આશાપુરાના મઢે આવનાર માઈ ભક્તોની તમામ આશા મા પુરી કરે છે.