આવો… જુઓ… ને માણો, નાટક…! ‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધા – વર્ષ ૧૩મું

ભાવનગર – તેર… જી હાં, ‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધા હવે સતત ૧૩મા વર્ષે ગુજરાત-મુંબઈની રંગભૂમિ ગજાવવા જઈ રહી છે. નીવડેલા તથા નવાગંતુક એમ તમામ રંગકર્મી દર વર્ષે જેની ઉત્તેજનાપૂર્વક રાહ જુએ છે એવી આ સ્પર્ધા વર્ષોવર્ષ વધુ ને વધુ સ્પર્ધાત્મક બનતી જાય છે ઉપરાંત પ્રેક્ષકોની રુચિને નવતર વિષયવાળાં નોખાં-અનોખાં નાટક તરફ વાળવામાં પણ આ સ્પર્ધાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સારા સમાચાર એ છે કે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯ (વર્ષ ૧૩મું)માં મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર અને ગાંધીનગરની સંસ્થાઓનાં કુલ ૧૯ નાટક પસંદ કરવામાં આવ્યાં છે. પ્રારંભિક સ્પર્ધા ત્રણ ચરણમાં ૧ ડિસેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ભાવનગર, અમદાવાદ અને નવસારી ખાતે યોજવામાં આવશે.
પ્રથમ ચરણમાં ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહમાં રજૂ થનારાં નાટકોની યાદી નીચે પ્રમાણે છે.
૧ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): લે લેતો જા (કવિશ્ર્વર આર્ટ્સ, સુરત), ૨ ડિસેમ્બર (સાંજે ૪:૦૦): અલકમલકની અલબેલી (લલિત કળા કેન્દ્ર, મુંબઈ), ૨ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): સ્વર્ગ નીચે મનુષ્ય (આઈરિસ સ્ટુડિયો, ભાવનગર), ૩ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): મનુ દામજી (પરમ, સુરત), ૪ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): છેદ-વિચ્છેદ (રાજ થિયેટર, સુરત), ૫ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): સ્ટોરી (તમન્ના સાંસ્કૃતિક સોસાયટી, સુરત) તથા ૬ ડિસેમ્બર (રાત્રે ૯:૦૦): ખાનદાન (આર.કે. આર્ટ ગ્રુપ, રાજકોટ).
આ સ્પર્ધા ઍગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ (ભૂજ), એસઆરકે (સુરત), ભવન્સ કળા કેન્દ્ર (મુંબઈ-ચોપાટી), ભારતીય વિદ્યા ભવન-કલ્ચરલ એકેડેમી ઍન્ડ સેન્ટર ફૉર આર્ટ્સ (અમદાવાદ), રાજ થિયેટર-રાજવી જોષી તથા જીવન ભારતી મંડળ (સુરત) જેવી સંસ્થાના સહકારથી યોજાઈ રહી છે.