LRD પેપર લીકમાં મળી હોટલ લિંક, યશપાલ હજુ ફરાર, વધુ એક ભાજપ કાર્યકરની ધરપકડ

અમદાવાદ- લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક થવા મામલે એક પછી એક નવા ઘટસ્ફોટ સામે આવી રહ્યાં છે. જેમાં આજે પેપર લીક કૌભાંડમાં એક હોટલ લિંક પણ સડોવાયેલી હોવાનું સામે આવ્યું છે.વધુમાં એક ભાજપ કાર્યકરની ધરપકડના સમાચાર પણ આવી રહ્યાં છે. જ્યેન્દ્ર રાવલ અરવલ્લી ભાજપના મહામંત્રી છે. લોકરક્ષકની પરીક્ષા પહેલા ચીલોડા ખાતે આવેલી હોટલ અંજલિમાં બેઠક થઈ હોવાની ચર્ચા છે. તેમજ 50થી વધુ ઉમેદવારો પણ આ બેઠકમાં શામીલ થયાં હોવાની ચર્ચા છે. હાલ પોલિસે આ ઉમેદવારો કોણ હતાં તે દિશામાં પણ શોધખોળ શરુ કરી છે.બીજી એક મહત્વની બાબત એ છે કે, ટાટનું પેપર લીક થતાં પહેલા પણ આજ હોટલમાં બેઠક થઈ હતી. ત્યારે પેપર લીકમાં આ હોટલની પણ સંડોવણી છે કે, કેમ એ તપાસનો વિષય છે.પેપર લીક મામલે ઝડપાયેલા આરોપીઓનું આજે મેડિકલ ચેકએપ થઈ રહ્યુ છે અને આથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. તો બીજી તરફ આ કેસમાં ચાર શખ્સોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે. 10 દિવસના રિમાન્ડ પર રહેલા ચાર આરોપીઓનું મેડિકલ ચેકઅપ પૂર્ણ થયાં પછી તેમની પૂછપરછ શરૂ થશે. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ થાય તેવું મનાય છે. પેપરલીક કાંડમાં મુખ્ય સૂત્રધાર એવો યશપાલ હજુ ફરાર છે. તે શખ્સ જ દિલ્હીથી પેપર લઈને આવ્યો હતો. પોલીસ તેને ઝડપી પાડવા માટે પ્રયાસ કરી રહી છે.પેપરલીક કાંડમાં પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડ્યા બાદ ગત સાંજે જજને ત્યાં રજૂ કર્યા હતા. તેમજ 14 દિવસના રીમાન્ડની માગ કરી હતી. આ સમયે આરોપીઓએ જજ સમક્ષ પોતાનો પક્ષ જાતે જ રજૂ કર્યો હતો. જજે તમામ આપોરીઓને સાંભળ્યા હતા. આરોપીઓએ કોઈ વકીલ રોક્યો ન હતો. તેથી મફત કાનૂની સહાય હેઠળ વકીલની વ્યવસ્થા કરી હતી. જોકે વકીલ ન આવતાં આરોપીઓએ જાતે જ જજ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને જજે 10 દિવસના રીમાન્ડ આપ્યાં હતાં.