31 જુલાઇ સુધી પીવાનું પર્યાપ્ત પાણી મળે તે માટે સરકારનું આયોજન

0
1239

ગાંધીનગરઃ આજે વિશ્વ જળ દિવસ નીમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને પગલે જળ ઉપયોગ પણ વધ્યો છે ત્યારે વોટર બજેટીંગથી જરૂરિયાત પુરતા જ પાણીના ઉપયોગ માટે પ્રેરક આહવાન કર્યુ હતું. ‘‘પાણી પરમેશ્વરનો પ્રસાદ છે’’ તેમ જણાવતા વિજય રૂપાણીએ રાજ્યમાં સૌને કરકસરયુકત વપરાશનો અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યાને મહદઅંશે નિવારીને નર્મદા  જળ ઘરે-ઘરે પહોચતા કર્યા છે. ૮૦ ટકા વસ્તીને નળ દ્વારા ઘર આંગણે પાણી છેક કચ્છ-આદિજાતિ વિસ્તારોમાં મળતું થયું છે. હવે, જ્યાં હેંડપંપથી ભૂગર્ભ જળ અપાય છે ત્યાં પણ ટેપ વોટર આપીને ભૂગર્ભ જળ બચાવી ગુજરાતને ૧૦૦ ટકા હેન્ડપંપ ફ્રી સ્ટેટ બનાવવાની દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યું  હતું. મુખ્યપ્રધાને રાજ્યમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવા માળિયા નજીક પ્રથમ ડીસેલીનેશન પ્લાન્ટની સ્થાપના માટેના સરકારના આયામોનો ખ્યાલ આપ્યો હતો.

તેમણે રાજ્યમાં ૩૧ જુલાઇ સુધી પીવાનું પર્યાપ્ત પાણી સૌને મળે તે માટે રાજ્ય સરકારે નર્મદા જળનું સુદ્રઢ આયોજન કર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી. મુખ્યપ્રધાને શૌચાલયોમાં હાલના ફલશ કોક સિસ્ટમને કારણે ૧પ લીટર પાણીનો જે વ્યય થાય છે તે દૂર કરી ડયૂઅલ ફલશ સિસ્ટમથી ૩ લિટર જ પાણી વપરાય તે માટેના કેમ્પેઇનનું લોન્ચીગ કરતાં આ સિસ્ટમ માટે યોગદાન આપનારા સેનેટરી ઉત્પાદકોની પ્રસંશા કરી હતી.