ખેલપ્રેમીઓ ‘મેં નહીં, હમ’ના ટીમ સ્પિરીટથી રમેઃ સમાપનપ્રસંગે મુખ્યપ્રધાન

ભાવનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ભાવનગર ખાતે યોજાયેલા ખેલ મહાકુંભ-2018ના સમાપન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રમતવીરોને સંબોધન કરતા મુખ્યપ્રધાન રુપાણીએ ખેલકૂદ ક્ષેત્રના ખેલાડીઓ અને ખેલપ્રેમીઓને ‘મેં નહીં, હમ’ના ટીમ સ્પિરીટથી ખેલભાવના વિકસાવવા પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, આપણે ખેલ માટેનો ઇતિહાસ મહાભારત કાળથી ધરાવીએ છીએ. ખેલ મહાકુંભમાં માધ્યમથી ખેલકૂદ પ્રત્યેની ચેતના ગુજરાતમાં જન જનમાં જાગી છે તેને આ ટીમ સ્પિરીટથી વધુ ઉન્નત બનાવવી છે.

ખેલ મહાકુંભથી અગાઉ ખેલકૂદ ક્ષેત્રે ‘No One-નો વન’ થી હવે ‘Won-વોન’ સુધીની સ્થિતિ ગુજરાતે મેળવી છે. મુખ્યપ્રધાને રૂ. ૨૫.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત સ્પોર્ટસ સંકુલ અને મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલનું લોકાર્પણ કર્યુ હતું તેમણે ભાવનગરના રમત ગમત ક્ષેત્રમાં નામાંકિત ખેલાડીઓ કિરીટભાઇ ઓઝા, અશોક પટેલ, પથિક મહેતા, હરપાલસિંહ વાઘેલાને આ અવસરે યાદ કરી ખેલકૂદમાં તેમણે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું કે મહાભારત કાળમાં કૃષ્ણ ભગવાન ગેડી દડાની રમત રમતા હતા. તે આઉટડોર રમત હતી. તો ઘરમાં રમાતી ચોપાટની રમત ઇન્ડોર રમત હતી. આમ પુરાતનકાળથી આપણે ત્યાં ઇન્ડોર અને આઉટડોર રમત રમાતી જ હતી.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં દરેક પ્રકારના વિકાસની સાથે ખેલકૂદ ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે સરકાર કૃતનિશ્વયી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચરના વિકાસ માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સંકુલ, તજજ્ઞ કોચ દ્વારા શિક્ષણ જેવા નવિન આયામો અપનાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૦માં શરૂ કરાવેલ ખેલ મહાકૂંભને પરિણામે જ સરિતા ગાયકવાડ, હરમીત દેસાઇ, અંકિતા રૈના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થયા છે.