મુખ્યપ્રધાને રાજ્ય પોસ્ટ પેમેન્ટ બેંકનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદઃ  ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કનો રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન રુપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સેવાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કના કારણે હવે સામાન્યમાં સામાન્ય માનવી, ગ્રામીણ-ગરીબ અંતરિયાળ વિસ્તારોમાં ઘર આંગણે ડીજિટલ બેન્કીંગ સેવાઓનો લાભ મળતો થવાનો છે.

મુખ્યપ્રધાને અમદાવાદમાં પોસ્ટ વિભાગની ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સેવાઓનો રાજ્યસ્તરીય પ્રારંભ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યપ્રધાન પરસોત્તમ રૂપાલા, સાંસદ ડૉ. કિરીટ સોલંકી તેમજ અમદાવાદના મેયર બિજલ પટેલની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યપ્રધાન મહાનુભાવોએ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા ગ્રાહકો માટેના QR કાર્ડ અને ખાસ ટપાલ કવરનું પણ અનાવરણ કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશના હરેક ગામોને-જન સામાન્યને પોતાના આર્થિક-નાણાંકીય કારોબાર માટે બેન્કો પર આધારિત ન રહેવું પડે અને સ્થાનિક કક્ષાએ જ બેન્કીંગ સુવિધા મળે તેવી નેમ સાથે નવો સૂર્યોદય પોસ્ટલ સેવામાં થયો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યપ્રધાને પીપલ્સ ફ્રેન્ડલી ગુડ ગર્વનન્સની નરેન્દ્રભાઇ મોદીની વિભાવના હવે પોસ્ટ વિભાગની આ ઘર આંગણ સેવાઓ વ્યાપક બનાવશે તેમ જણાવ્યું હતું.