પર્યાવરણનું બલિદાન આપી વિકાસ નહીં, રુપાણીએ પોલ્યુશન અંગેના કાર્યક્રમમાં જણાવ્યું…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત એમિસન્સ મોનીટરીંગ એન્ડ માર્કેટ બેઝ્ડ પોલ્યુશન રેગ્યુલેશન વિષયક એક દિવસીય પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે ગુજરાત પર્યાવરણનું બલિદાન આપીને વિકાસ કરવાના પક્ષમાં જ નથી. વાયબ્રન્ટ ગુજરાતને “ક્લીનર ગ્રીનર ગુજરાત” બનાવવાની તેમણે નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યપ્રધાને ગાંધીનગરમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ આયોજિત એમિસન્સ મોનીટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ પોલ્યુશન રેગ્યુલેશન વિષયક એક દિવસીય પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે  રાજ્યમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણીના ડીપ સીમાં પધ્ધતિસરના યોગ્ય નિકાલ માટે વાપીથી વેરાવળ સુધી રુપિયા ૫૫૦૦ કરોડના ખર્ચે પાઇપ લાઈન નેટવર્ક યોજના માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

મુખ્યપ્રધાન રૂપાણીએ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ અને શહેરી ક્ષેત્રના દુષિત જળનું રિસાયક્લિંગ કરીને પુનઃ ઉપયોગની રાજ્ય સરકારની નીતિની ભૂમિકા આપતા કહ્યું કે 2030 સુધીમાં રાજ્યમાં સંપુર્ણપણે રિસાયકલ્ડ વોટરના વપરાશ અને ઉપયોગના લક્ષ્ય સાથે સરકાર કાર્યરત છે. મુખ્યપ્રધાને વાયબ્રન્ટ ગુજરાત સમિટની ૯ મી કડીના પૂર્વાર્ધ રૂપે યોજાયેલા આ પરિસંવાદને રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે ગુજરાત વિકાસના હરેક ક્ષેત્રમાં અવ્વલ છે સાથે જ પ્રદૂષણ નિયંત્રણનું દાયિત્વ પણ જવાબદારી પૂર્વક નિભાવી રહ્યું છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે સમગ્ર દેશમાં કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના 60 ટકા એકલા ગુજરાતમાં છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે પ્રદૂષણની બહુ જ ઓછી સંભાવના વાળી 173 વ્હાઇટ કેટેગરીની ઇન્ડસ્ટ્રીની પણ ઘોષણા કરીને આવી ઇન્ડસ્ટ્રીઝને ઉત્પાદન શરૂ કરતા પહેલા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની પરવાનગીમાંથી મુક્તિ આપીને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પણ ધ્યાને રાખ્યું છે.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં હેઝાર્ડીયસ વેસ્ટના નિકાલ માટે સાત કોમન ટ્રીટમેન્ટ સ્ટેબિલાઇઝેશન ડિસ્પોઝેબલ ફેસેલીટીઝ કાર્યરત છે તેની ભૂમિકા આપતાં આવી વધુ ત્રણ સુવિધાઓ શરૂ કરવા પણ રાજ્ય સરકાર વિચારાધિન છે તેમ ઉમેર્યુ હતું. તેમણે આ પરિસંવાદમાં ભાગ લઇ રહેલા તજ્જ્ઞોના નવોન્મેષી વિચારો-સૂઝાવો રાજ્ય સરકાર ખૂલ્લા મને આવકારશે તેમ જણાવતા ઉમેર્યુ કે, સૌ સાથે મળીને ગ્રીનર-કલીનર ગુજરાતની નેમ પાર પાડીએ.

મુખ્યપ્રધાનની ઉપસ્થિતીમાં આ પરિસંવાદના પ્રારંભે શિકાગો યુનિવર્સિટીના એનર્જી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.અનંત સુદર્શન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વચ્ચે તેમજ હાવર્ડ કેનેડી સ્કૂલના ડો.રોહિણી પાંડે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વચ્ચે પ્રદૂષણ નિયંત્રણના વિવિધ ક્ષેત્રે ટેકનીકલ નો-હાઉ અંગેના બે  સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.

પર્યાવરણ રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતે ટકાઉ વિકાસ ઉપર ભાર મૂકીને પ્રદૂષણ અટકાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ બળ આપવા અનેકવિધ સર્જનાત્મક પગલા ભરવામાં આવ્યા છે.

આ એક દિવસીય વર્કશોપ રાજ્યમાં ઉદ્યોગો દ્વારા ફેલાતું પ્રદૂષણ અટકાવવા મહત્વની ભૂમિકા ભજવશે. વર્કશોપમાં ઓછામાં ઓછું પ્રદૂષણ કરતા વધુ ઉદ્યોગો સ્થાપીને વધુ ઉત્પાદન તેમજ પર્યાવરણનું જતન કેવી રીતે કરવું તેના ઉપર તજજ્ઞો દ્વારા વિચાર-વિમર્શ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી જીપીસીબી દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ શરૂ કરવામાં આવી છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.