ઈઝરાયેલ પહોંચ્યા મુખ્યપ્રધાન, તેલ અવીવ એરપોર્ટ પર કરાયું સ્વાગત

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 6 દિવસ માટે ઈઝરાયેલના પ્રવાસે ગયા છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણી આજે પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઈઝરાયેલના તેલ અવીવ ખાતે પહોંચ્યા હતા. મુખ્યપ્રધાનનું તેલ અવીવ હવાઈ મથકે ઈઝરાયેલના મુંબઈ સ્થિત કાઉન્સીલ જનરલ શ્રીયુત યા આકોવ ફિનકેસ્ટેલિન અને ઈઝરાયેલના ભારતીય રાજદૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમારે ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

મુખ્યપ્રધાન આજે પોતાના ઈઝરાયેલ પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે શફાદાનની ધી ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ હિસ્ટીલ ખાતે એગ્રીકલ્ચર પ્રોડક્ટ નામની કંપની એમપ્રેસટની મુલાકાત લેશે. તો આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણી આજે સાંજે ઈઝરાયેલના કૃષી પ્રધાન ઉરી એરિયલ સાથે પણ બેઠક કરશે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઈઝરાયેલમાં 6 દિવસનું રોકાણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ટેક્નોલોજીને લઈને ઈઝરાયેલ અને ગુજરાત સરકાર વચ્ચે કરારો કરશે. મુખ્યપ્રધાન રૂપાણી સાથે સરકારી અને બિઝનેસ ડેલિગેશન પણ ઈઝરાયેલના પ્રવાસે છે.