નાફેડે ખરીદેલી 17 કરોડની તુવેર ગોડાઉનમાં જ સડી ગઈ, હોહા બાદ શરુ થઈ તપાસ

છોટાઉદેપુરઃ મગફળી બાદ હવે તુવેરનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુરના ગોડાઉનમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર સડી ગઈ છે. 17 કરોડ જેટલી તુવેર નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી જે સડી ગઈ હોવાની વિગતો સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે કલેક્ટરે ગોડાઉનની મુલાકાત લીધી છે. અને બે અધિકારીઓ આ મામલે તપાસ પણ કરશે.

નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવામાં આવી હતી. અને કુલ જથ્થો 62 હજાર બોરી જેટલો હતો. જો કે હજી એ સ્પષ્ટતા નથી થઈ કે કુલ 62 હજાર બોરી તુવેરના જથ્થામાંથી કેટલા પ્રમાણમાં તુવેરો સડી ગઈ છે. નાફેડ દ્વારા 5500 રુપિયાના ભાવે આ તુવેર ખરીદવામાં આવી હતી. અત્યારે હાલ 3300 રુપિયાના ભાવે આ તુવેર વેચવામાં આવી રહી હોવા છતા પણ કોઈ વેપારી આ તુવેર લેવા તૈયાર નથી કારણ કે તે સડી ગઈ છે અથવા તો કેટલાક જથ્થાની ગુણવત્તા સાવ નબળી છે.

બહાર આવતી માહિતી મુજબ  આ તુવેરના જથ્થાને બે વર્ષથી અહીં સંગ્રહિત કરવામાં આવ્યો હતો.  આ મામલે ભારે હોબાળો મચ્યાં બાદ હવે તપાસ શરુ થઈ રહી છે ત્યારે જવાબદારો સામે પગલાં લેવામાં ફીંડલું ન વળે તે માટે પણ કલ્કેટરને રજૂઆતો કરવામાં આવી હતી.