જામનગરમાં ‘મહેકી શકે છે આ જિંદગી’ કાર્યક્રમ, જિલ્લા જેલ કેદીઓ ભણ્યાં પાઠ

જામનગર-આજનો સમય ચિંતાનો યુગ કહેવાયો છે અને મનથી હકારાત્મકતા જાળવી રાખવા ભારે સજાગ રહેવું પડે તેવી ઘટમાળ વચ્ચે લોકો જીવી રહ્યાં છે. ત્યારે એવી વ્યક્તિઓ કે જેમણે જીવનમાં હકારાત્મક ઊર્જાની કેળવણી સાધ્ય કરી છે અને અન્યોને વહેંચી શકે છે તેમની બે વાત સાંભળવી ક્યારેક ઉપકારક નીવડી શકે છે. જામનગરમાં યોજાયેલો મોટિવેશનલ સ્પીકર ચંદ્ર ખત્રીના ‘મહેંકી શકે છે આ જિંદગી’ ના બે કાર્યક્રમોમાં ઉપસ્થિતોને આમ અનુભવાયું હતું.સામાજિક જાગૃતિના આ બે વિશિષ્ટ આયોજન પૈકી એક જામનગરની જાહેર જનતા માટે ટાઉન હોલમાં અને બીજો કાર્યક્રમ જામનગર જિલ્લા જેલના કેદીઓ માટે રાખવામાં આવ્યો હતો.

ચંદ્ર ખત્રીના કાર્યક્રમના મુખ્ય અંશ…

સૃષ્ટિના સર્જકે માણસને શરીર સાથે મન આપીને કમાલ કરી છે. જીવનમાં નિરંતર ખુશી અને સુખનું વાતાવરણ ઉભુ કરવામાં મનનો સાચી રીતે ઉપયોગ કરતા આવડે તો દુ:ખ અને ગમ પાસે ફરકી પણ ના શકે. હકીકતમાં તો માણસ જે વિચારે છે તે જ પામે છે. આંતરમનની શક્તિને મેળવવા કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એ તો પહેલેથી જ અંદર પડેલી  છે. રોજીંદી ઘટમાળના નાના-મોટા પ્રશ્ર્નોનો ઉકેલ આ આંતરમન પાસેથી ખુબ સહેલાઈથી મળી શકે છે, પણ મોટાભાગનો માનવ સમુદાય આંતરમન પાસેથી કામ લેવાની કળથી અજાણ છે. આંતરમનને સક્રિય કરવાની ચાવી છે -હમેંશ અને સતત હકારાત્મક વલણ રાખીને જીવવું. એમ મુંબઈના જાણીતા લેખક-વક્તા-પ્રેરક ચંદ્ર ખત્રીએ ‘મહેકી શકે છે આ જિંદગી’ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ચંદ્ર ખત્રીએ કહ્યું કે, ‘ચિંતા ફિકરથી મુક્ત ન રહી શકતા વ્યક્તિએ માનસિક ઉપચાર વિશે વિચારવું જોઈએ. બહારનું વાતાવરણ અને ઊભા થયેલા સંજોગો આપણી ઇચ્છા મુજબ ન બદલાય ત્યારે જ કમઠાણ ઊભું થાય છે. આવા વખતે શાતામાં રહેવાનો સહુથી સસ્તો રસ્તો એ છે કે પોતાનું મનોવલણ બદલી નાખવું. સામે આવેલી ક્રિયાની સામે આપણી પ્રતિક્રિયા કયા પ્રકારની હોવી જોઈએ એ મૂળથી સમજીને એને અમલમાં મુકવાનો અભ્યાસ પાકો કરી લેવો પડે. આમ શારીરિક આરોગ્યની જેમ માનસિક આરોગ્ય વિશે સજાગ રહેવું જોઈએ કારણ કે આપણું મનોવલણ એને ઘડે છે. જીવનસફરમાં આંચકા પચાવવાની શક્તિ, પરિસ્થિતિને સાચી રીતે સમજવાની સૂઝ, સત્ય પારખવાની ઉત્કંઠા, સહુ પ્રત્યે પ્રેમાળ વર્તન, પોતાનું કામ કે ધંધો ગમે તેવો નાનો-મોટો હોય પરંતુ તેમાં આનંદ પામવાની ટેવ, અંતરઆત્માના અવાજને સાંભળતા રહેવાનો અભ્યાસ, કડવા પ્રસંગને ભૂલી જવાની કૂનેહ, કોઈને પણ હિનભાવથી નહી જોવાની તટસ્થતા, સામેવાળાથી વધુ પડતા અંજાઈ નહી જવાની સજાગતા, આ અને બીજા કેટલાંક માપદંડ માણસના માનસિક આરોગ્ય સાથે સંબંધિત બની રહે છે.’ચંદ્ર ખત્રીએ કહ્યું કે, માણસનું જીવન મર્યાદિત સમયનું છે અને એમાં બિનજરૂરી કે ફાલતુ બાબતોમાં સમય ગુમાવીને જીવવાની અસલી મજાને ઓછી કરી નખાય છે. ધર્મે માણસને મંદિરમાં જવાનું શીખવાડ્યું પણ મનની પાસેથી કામ લેવાની કળાને ભૂલવાડી દીધી છે. પોતાની સાથે ધાર્મિકતાનું લેબલ લગાવીને ફરતો માનવી ભલે ઉપરવાળા ભગવાનની પૂજા કરે પરંતુ આંતરમનની શક્તિને અવગણવાનું છોડીને આંતરમન ઉપર શ્રદ્ધા અને ભરોસો રાખીને કામ પાડતા શીખી જાય તો જીવનમાં હતાશા અને નિરાશાને દૂર રાખી શકે.

જિલ્લા જેલ અધિક્ષક ગોહેલે વક્તા પરિચયમાં જણાવ્યું હતું કે- જીવનમાં હકારાત્મકતાનો બહુ મોટો પ્રભાવ પડે છે. જેલના કેદીઓ સ્વભાવમાં બદલાવ લાવી પોતાની જિંદગીને નવેસરથી સારી રીતે વીતાવવા પ્રયત્ન કરે તો જરૂર બદલી શકે છે. શ્રોતાઓને ચંદ્ર ખત્રીએ માનસિક તણાવ દૂર કરવાના અને સુખની અનુભૂતિ માટેના પ્રયોગો શીખવ્યા હતા.

સૌરાષ્ટ્રના શહેરોમાં ‘મહેકી શકે છે આ જિંદગી’ કાર્યક્રમ યોજવા ઇચ્છુક સંસ્થા ૯૮૨૦૩ ૭૯૯૯૭ ઉપર સંપર્ક કરી શકે છે.