દૂરદર્શનના પૂર્વ અધિકારીને સીબીઆઈ કોર્ટે 1 વર્ષની સંભળાવી સજા, ઠગાઈનો હતો કેસ

અમદાવાદઃ 1998માં દૂરદર્શન પર દર્શાવાતી ફિલ્મોની રોયલ્ટી ચૂકવવાની રકમના બોગસ દસ્તાવેજ બનાવી1.46 લાખની ઠગાઇના કેસમાં દૂરદર્શનના પૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ દિલીપ વાઘેશ્વરીને સીબીઆઇ જજ જે.કે.પંડ્યાએ 1 વર્ષની સજા ફટકારી છે. જ્યારે 9 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે. વર્ષ 1998થી વર્ષ 2000 સુધી દૂરદર્શનમાં દિલીપ વાઘેશ્વરી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા હતા. વાઘેશ્વરી, વેડાડી અપારા અને દીપક અંતાણી વિવિધ ફિલ્મના રાઇટ હોલ્ડર તરીકે કામગીરી કરતા હતા. દૂરદર્શન ઉપરથી દર્શાવાતી ફિલ્મોની રોયલ્ટીની રકમ વાઘેશ્વરી અને વેડાડીની સંમતિથી ચુકવણી કરવામાં આવતી હતી. ફિલ્મની રોયલ્ટીની રકમ રૂ.2.80 લાખ પૈકી રૂ.1.46 લાખ ખોટી રીતે ચૂકવવામાં આવી હતી.

વાઘેશ્વરીએ અપ્રામાણિક રીતે પ્રપોઝલ એન્ડ કોન્ટ્રાક્ટ રજિસ્ટર ખોટી રીતે બનાવ્યું હતું. કોઇ પણ પ્રકારની ચકાસણી કર્યા સિવાય અગાઉ ટેલિકાસ્ટ થઇ ગયેલી હોવા છતા તેને મંજૂર કરેલુ. આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફિલ્મોના પ્રિવ્યૂશીટ બનાવ્યા અને તેના આધારે ફિલ્મોને લગતા ગ્રેડેશનના ખોટા સર્ટિફિકેટ કરી આપ્યા હતા. સીબીઆઇએ વાઘેશ્વરી સહિત 10 આરોપીઓ સામે સીબીઆઇ કોર્ટમાં ચાર્જશીટ કરતા તેમની સામે કેસ ચાલી ગયો હતો. સીબીઆઇના ખાસ સરકારી વકીલ દિનેશ શર્માએ 18 સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતા. અને તેમણે દલીલ કરેલી કે આરોપીઓએ એકબીજાના મેળાપીંપણામાં ખોટા દસ્તાવેજ બનાવી રૂ.1.46 લાખની ઠગાઇ કરી સરકારને નુકસાન કર્યું છે.