રાજકોટઃ કડક મીઠી ચાયના શોખીનો માટે ખૂબ કડવી ખબર

0
764

રાજકોટ- સૌરાષ્ટ્રના મહત્ત્વના શહેર રાજકોટમાં, જ્યાંથી અન્ય જિલ્લાઓમાં વ્યાપક વેપાર થાય છે ત્યાં આજે દરોડામાં લેવાયેલા નમૂનાઓના ગણવત્તા પરીક્ષણમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ હકીકત એવી છે કે કડક મીઠી ચાના રસિયાઓના ગળેથી ચા ઊતરે નહીં.રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે  અમુક સમય પહેલાં  શહેરના જાણીતાં ચાવાળાને ત્યાં દરોડા પાડી ચાના નમૂના લીધાં હતાં અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યાં હતાં. પંકજભાઇ શાહની દર્શન ટીના નમૂના પરીક્ષણમાં નાપાસ થયાં છે. એમાંથી કેમિકલ કલર, એસેન્સની ભેળસેળ પકડાઇ છે. આરોગ્ય વિભાગે 1200 કિલો ચાનો જથ્થો સીઝ કરી દીધો હતો.ચાની ભૂકીમાં લાકડાનું ભૂસું અને કેમિકલનું મિશ્રણ કરવામાં આવેલું મળ્યું હતું. સાથે જ ભૂકીમાં કેમિકલ પાવડર પણ મિલાવવામાં આવતો હતો. ચાની ભૂકીને રાજકોટ, અમરેલી, ભાવનગર, શિહોરની ગુયાબારી, અલંકાર, ટી ઓકે, ટાટોપાની, સન્યાસી જેવી વિવિધ બ્રાંડના નામે પેકિંગ કરી વેચવામાં આવતી હતી.

ચાના નમૂના ગુણવત્તાના વિવિધ માપદંડોમાં નાપાસ થતા હવે કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ઉપરાંત કેટલીક ડેરીઓમાંથી દૂધના નમૂનાઓ લેવાયાં હતાં જેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયાં હતાં. તેમાં ત્રણ ડેરીઓના દૂધના નમૂના નાપાસ થયાં છે એટલે કે દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હતી.આ ત્રણ ડેરીઓમાં શિવમ ડેરી ફાર્મ, રાધેક્રિષ્ણા ડેરી ફાર્મ અને સાગર ડેરી ફાર્મનો સમાવેશ થાય છે. દૂધમાં કૃત્રિમ ફેટ વધારવા માટે વેજિટેબલ ફેટની ભેળસેળ ઉપરાંત પાણી નાંખતા અને મલાઇ કાઢી લેતાં હતાં.