ઢોર પકડ ટીમ પર સ્થાનિક પશુપાલકોએ પથ્થરમારાથી ધાવો બોલાવી દીધો અને…

અમદાવાદ-રસ્તે રખડતાં ઢોર મેગાસિટી અમદાવાદમાં મોતનું કારણ બની રહ્યાં છે ત્યારે અમદાવાદ કોર્પોરેશનની ઢોરવિભાગની ટીમ હરકતમાં આવી હતી અને કેટલાક વિસ્તારમાં કાર્યવાહી કરવા રસ્તે ઊતરી આવી હતી. જોકે  ઓઢવમાં ઢોર પકડવાં ગયેલી અમદાવાદ કોર્પોરેશનની ટીમ પર સ્થાનિક પશુપાલકોએ ધાવો બોલાવી દીધો હતો. એટલું જ નહીં પથ્થરમારો કરી ગાડીઓના કાચ તોડ્યાં બાદ ગાડીઓની ચાવીઓ પણ લઇને કેટલાક અજાણ્યાં લોકો ભાગી ગયાં હતાં.અમદાવાદ શહેરમાં રસ્તે રખડતાં ઢોરો પર કાબૂ મેળવવા માટે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સમયાંતરે કાર્યવાહી હાથ ધરતું હોય છે. એએમસીની આવી જે એક કાર્યવાહી દરમિયાન ઓઢવ વિસ્તારમાં ખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જેને પગલે ઓઢવ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી. આ હુમલામાં એએમસીના એક કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.ઓઢવમાં એએમસીની ટીમ પર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં વિરોધ દર્શાવતાં સ્થાનિકોએ ગરબા કરવા માંડ્યાં હતા. હાલ તો વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો કરનારા લોકો સામે પગલાં લેતાં પોલીિનો કાફલો ઓઢવ ખાતે પહોંચી સવારે હુમલો કરનાર લોકોને ઘરમાંથી બહાર ખેંચી અટકાયત કરી હતી. વધુ મામલો ન બીચકે તે માટે આ કાર્યવાહી માટે ઓઢવ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલિસકર્મીઓ પહોંચ્યાં હતાં.જેની સામે ઓઢવ AMC ટીમ ઉપર હુમલા બાદ પોલીસની કાર્યવાહીને લઈ માલધારી સમાજ પણ ઓઢવ પોલિસ સ્ટેશન પહોંચ્યો હતો. માલધારી મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ઘરમાંથી બહાર કાઢી મહિલા સાથે પોલીસે ઝપાઝપી કરી હતી અને મહિલા પોલિસે કપડાં ફાડ્યાં હોવાનું જણાવ્યું હતું.