ભાજપ વિજયની રાહ પર, કોંગ્રેસનો નૈતિક પરાજય, રાજ્યસભા ચૂંટણી…

0
1389

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના બંને ઉમેદવારોએ આજે વિજય મૂર્હુતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બીજી બાજુ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી હતી તેમાં મોટો ઝટકો મળ્યો છે. એટલે હવે આગામી 5 જુલાઇના રોજ રાજ્યસભાની બન્ને બેઠકો પર અલગ અલગ ચૂંટણી થશે.

લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડતા તેના પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બંને બેઠકો પર પેટા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા એક બેઠક પર કેન્દ્રીય પ્રધાન એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણા ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આજે આ બંને બેઠક પરના ભાજપના ઉમેદવારો વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને સીએમ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ, તથા કેમબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદૂ તથા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

કોંગ્રેસ દ્વારા પણ તેમના બે ઉમેદવારોને પેટા ચૂંટણીમાં ઉતારશે. જેમાં એક બેઠક પર ગૌરવ પંડ્યા અને બીજી બેઠક પર ચંદ્રિકાબેન ચુડાસમાનું નામ ચર્ચાઇ રહ્યું છે. જ્યારે રાજ્યસભાની બંને બેઠકોની ચૂંટણી એક સાથે કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે આજે સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કોંગ્રેસની અરજીને ફગાવતા ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઇન્કાર કર્યો હતો.