અમદાવાદઃ જીએસટી રિટર્ન ફાઈલ નથી કર્યું તેવા વેપારીઓના નંબર રદ્દ

0
1460

અમદાવાદઃ સમગ્ર દેશમાં જીએસટી લાગુ થયા બાદ પણ જે વેપારીઓ ટેક્સ ચોરી કરી રહ્યા છે તે વેપારીઓ સામે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જીએસટી નંબર લીધા બાદ પણ હજી સુધી જે વેપારીઓએ જીએસટી રિટર્ન ફાઈલ નથી કર્યું તેવા અમદાવાદ શહેર અને જિલ્લાના ૬ હજારથી વધુ નંબર રદ કરવામાં આવ્યા છે.

જીએસટીનો નિયમ છે કે જે વ્યાપારીઓ સતત 6 વખત સુધી રિટર્ન ફાઈલ ન કરે તેમના નંબર રદ્દ કરી દેવામાં આવે છે અને આ જ નિયમ અનુસાર જે વેપારીઓ ટેક્સ નથી ભર્યો તે લોકોના નંબર રદ્દ થયા છે. હવે આ વ્યાપારીઓએ ફરીથી નંબર લેવો પડશે અને તંત્ર દ્વારા આ પ્રકારના વેપારીઓ પાસેથી પ્રતિ દિવસ 50 રુપિયા પેનલ્ટી પેટે અને ટેક્સ નથી ભરાયો તેના પર 18 ટકા વ્યાજ લેવામાં આવશે. તો આ સીવાય જે વેપારીઓ માઈગ્રેટ નથી થયા તેવા વેપારીઓ માટે માઈગ્રેટ થવાની અંતિમ મુદત 31 ઓગષ્ટ છે. 31 ઓગષ્ટ બાદ તેઓ માઈગ્રેટ નહી થઈ શકે.

મહત્વની વાત અહીંયા એ પણ છે કે જે વેપારીનો નંબર રદ થયો હશે તે વેપારીને તો ખરીદી પરની આઈટીસી મળવાપાત્ર થતી નથી. નંબર રદ થવા બાબતે જીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જે વેપારીઓના નંબર રદ થઈ ગયા છે તેમને ફરી એક તક આપવામાં આવી છે. તેમના માટે રાહતની વાત એ છે કે તેઓ ફરી વખત નંબર લઈ શકે છે. તે માટે વેપારીએ જીએસટી ઓફિસે અપીલ અરજી કરવાની રહેશે. આ અરજી મળ્યા બાદ અધિકારીએ જરૂરી પ્રક્રિયા કરીને જીએસટીની વેબસાઈટમાં માહિતી આપવાની રહેશે. નંબર મેળવવા માટે વેપારીએ જેટલા રિટર્ન ભરવાના બાકી હશે તે તમામ રિટર્ન તો ફાઈલ કરવાનાં રહેશે જ, પરંતુ તેની સાથે વ્યાજ અને પેનલ્ટીની રકમ પણ ચૂકવવી પડશે.