કચ્છઃ ક્રીક વિસ્તારમાં પાકિસ્તાને બનાવી 20 નવી પોસ્ટ, રીપોર્ટ…

અમદાવાદઃ પાકિસ્તાનની ચાલબાજી આ વખતે ગુજરાતની સરહદ સાથે જોડાયેલા વિસ્તારોમાં જોવા મળી રહી છે. બીએસએફ દ્વારા ગૃહ મંત્રાલયને પોતાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે. આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રીક વિસ્તારમાં પાકિસ્તાન નવા નવા કન્સ્ટ્રક્શન્સ કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રીક વિસ્તારમાં 20 થી વધારે પાકિસ્તાન મરીન પોસ્ટ બનાવી રહ્યું છે.

આ પહેલા ગુપ્તચર એજન્સીઓએ પણ જાણકારી આપી હતી કે પાકિસ્તાન જિવાનીથી લઈને સરક્રીક સુધીના વિસ્તારમાં પોતાની નેવીની 8 નવી ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહ્યું છે, જેથી તે દૂર સુધી ભારતીય નેવી અને કોસ્ટગાર્ડની ગતિવિધિઓ પર નજર રાખી શકે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન આના દ્વારા ભારતીય નેવીના મોટી શીપ અને કોસ્ટગાર્ડ પર નજર રાખશે. સરક્રીક સુરક્ષાની દ્રષ્ટીએ ખૂબ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન આ પ્રકારનું નિર્માણ કાર્ય કરી રહ્યું છે. બીએસએફે આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપ્યો છે જેમાં પાકિસ્તાની મરીનના 20 નવા સ્ટ્રક્ચરની જાણકારી આપવામાં આવી છે.

સુરક્ષા સાથે જોડાયેલા અધિકારી અનુસાર, પાકિસ્તાની નેવીએ પોતાની બદલેલી રણનીતિ અંતર્ગત સરક્રીકમાં પોતાની તાકાત વધારી છે, જ્યાં છેલ્લા કેટલાક મહીનામાં ઘણા એડવાન્સ્ડ લેંડિંગ હેલિકોપ્ટર બેઝ બનાવવામાં આવ્યા છે. તો પાકિસ્તાની નેવીએ હવે નવી ઓબ્ઝર્વેશન પોસ્ટ પણ બનાવી લીધી છે. આ ઘટનાક્રમોથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સરક્રીકના આ આખા વિસ્તાર મામલે કેટલી ગંભીરતા રાખી રહ્યું છે.

જોવામાં આવે તો સરક્રીક સાથે જોડાયેલો કરાંચી નેવલ બેઝ છે અને આવામાં કરાંચી બેઝને વધારે સુરક્ષિત કરવા માટે પાકિસ્તાન નેવી સરક્રીકમાં પોતાની ઉપસ્થિતી વધારી રહી છે. ભવિષ્યમાં ભારત સાથે સંબંધિત યુદ્ધની સ્થિતીમાં પાકિસ્તાન પોતાના નેવલ બેઝને વધારે મજબૂત કરવા ઈચ્છે છે. સરક્રીકના આ દલદલ વાળા વિસ્તાની સુરક્ષા બીએસએફના ક્રોકોડાઈલ કમાન્ડો કરે છે.

ભારત પાકિસ્તાન સીમા સાથે જોડાયેલો કચ્છ વિસ્તાર ગુજરાતમાં આવે છે. અહીંયાનું હરામી નાળુ ઘુસણખોરો માટે હંમેશાથી એક સુરક્ષીત રસ્તો રહ્યો છે. અને આ જ કારણ છે કે બીએસએફના ક્રીક કમાન્ડો આ આખા વિસ્તાની સુરક્ષા 24 કલાક કરે છે. બીએસએફ 85 કિલોમીટરની આ લાંબી ક્રીક બોર્ડની સુરક્ષા કરે છે. અહીંયા બીએસએફ ઓલ ટેરેન વ્હિકલ અને ફાસ્ટ એટેક ક્રાફ્ટ સાથે જ આધુનિક હથિયારોથી લેસ બોટનો ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાને હજી સુધી આ વિસ્તારમાં ક્યારેય બીએસએફ સામે પડવાની હિંમત નથી કરી. પરંતુ અત્યારે પાકિસ્તાન પોતાની મરીન વિંગને આ વિસ્તારમાં ખૂબ વધારી રહ્યું છે.

પાકિસ્તાનનો ઉદ્દેશ્ય શું છે?, તે કહેવું તો અઘરું છે, પરંતુ પાકિસ્તાનની જે ફિતરત છે તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ક્રીક વિસ્તારમાં તેના ઈરાદાઓ નેક નથી. પાકિસ્તાના ગુપ્ત ઈરાદાને માપી લેતા ભારતીય સુરક્ષા તંત્ર એલર્ટ પર છે અને પાકિસ્તાનની દરેક હરકતની પળેપળની જાણકારી આપવામાં આવી રહી છે.