ભાજપ સંગઠન બેઠકઃ જે બૂથ માઇનસ થયાં તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે

ગાંધીનગર- ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમમાં આજે ભાજપ સંગઠન બેઠક મળી હતી. દિવસભર ચાલેલી વિવિધ બેઠકમાં સીએમ રુપાણી, નાયબ સીએમ નિતીન પટેલ, પ્રદેશ અધ્યક્ષ વાઘાણી, સહિત ટોચના નેતાઓ અને  નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના ઇન્ચાર્જની બેઠક યોજાઇ હતી. રૂપાણીએ જણાવ્યું હતું કે ફરી પાંચ વર્ષની નવી ઇનીંગ રમવા માટે સૌ કાર્યરત થયાં છીએ.  જ્યારે ગુજરાતમાં સતત ૨૨ વર્ષ બાદ ફરીથી પાંચ વર્ષ માટેનો મેન્ડેટ ગુજરાતની જનતાએ ભાજપાને આપ્યો છે ત્યારે, લોકોની આશાઓ અને અપેક્ષાઓ પૂર્ણ કરવાની આપણી જવાબદારી છે. સંપૂર્ણ બહુમતી આપીને આપણા પર જે ભરોસો મુક્યો છે તે પૂર્ણ કરવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ. સાતત્યપૂર્ણ રીતે સત છઠ્ઠી વખત સરકારી બનાવવી એ લોકશાહીમાં બહુ મોટી ઘટના છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણી એ આપણા માટે અંતિમ યુધ્ધ છે. દેશની લાંબાગાળાની વિકાસયાત્રા માટે અને ભારતને વિશ્વગુરુના સ્થાન પર પહોચાડવા માટે ૨૦૧૯માં કેન્દ્રમાં ફરીથી ભાજપ સરકાર બને તે અત્યંત જરૂરી છે.

આગામી સમયમાં ૭૫ નગરપાલિકાઓ, ૦૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત એ ૨૦૧૯નો પાયો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં જે બૂથો માઇનસ થયાં છે ત્યાં વધુ ધ્યાન આપી આવા બૂથોને ફરીથી પ્લસમાં લાવવાની અપીલ કરવામાં આવી હતી.

વાઘાણીએ કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું કે અરાજકતા અને અંધાધૂંધીનું વાતાવરણ ઉભું કરવાની તમામ કોશીષ કરવામાં આવી છે. છતાં ગુજરાતની શાણી અને સમજુ જનતા છેતરાઇ નથી કે ખોટી લાલચમાં આવી નથી. તેથી ગુજરાતની જનતા અભિનંદનને પાત્ર છે.

 

પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારે ભાજપના આગામી કાર્યક્રમોની વિગતો આપી હતી.

૧. તારીખ ૧૧,૧૨,૧૩ જાન્યુઆરીએ આગામી સમયમાં ચૂંટણીઓમાં યોજાનાર છે ત્યાં નિરિક્ષકો જશે.

૨. તારીખ ૧૨ જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હાથ ધરશે.

૩. ૧૪મી જાન્યુઆરીએ મકરસક્રાંતિ નિમિત્તે ભાજપ સંગઠન દ્વારા તલના લાડુ અને ચીક્કીની વહેચણી સેવાવસ્તીમાં જઇને કરવામાં આવશે.

૪. તારીખ ૧૬,૧૭,૧૮ જાન્યુઆરીના રોજ ‘‘ઘર-ઘર ચલો અભિયાન’’ અંતર્ગત આગામી સમયમાં જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં, જનસંપર્ક કરાશે.

૫. તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રીના ‘‘મન કી બાત’’ કાર્યક્રમનું સામૂહિક રૂપે શ્રવણ કરાશે.